અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો-નગરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, આ ઉપરાંત અમદાવાદ સહિતના શહેરો-નગરોમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાક દરમિયાન 115 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એટલું જ નહીં વાવાઝોડુ ત્રાટક્યા બાદ પણ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વાવાઝોડાની અસરને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. રાજ્યના 115 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમા સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. કેશોદમાં પોણા 2 ઈંચ, ધ્રોલમાં દોઢ ઈંચ, ભુજમાં અને અમરેલીના લીલીયામાં દોઢ ઈંચ જ્યારે કચ્છના અંજારમાં સવા ઈંચ વરસાદ તેમજ ખાંભાના કલ્યાણપૂ, જામકંડોરણામાં એક વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત માંગરોળ, વંથલી, કાલાવડ અને બગસરામાં પણ પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું.
દરમિયાન હવામાન વિભાગની અનુસાર, સાયક્લોનના લેન્ડફોલ બાદ કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ,અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગર, બોટાદ, દિવમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે. આજે 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય શકે તેવી સંભાવના છે.