Site icon Revoi.in

રાજકોટ જિલ્લામાં ભર ઉનાળે માવઠું, ગોંડલ અને કોટડાસાંગણીમાં ભારે પવન સાથે વરસાદ

Social Share

રાજકોટઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પણ લોકો અસહ્ય તાપમાન સહન કરી રહ્યા છે, ત્યારે જ વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના ગોંડલ અને કોટડાસાંગણી વિસ્તારમાં બરફના કરા સાથે માવઠું પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. રાજકોટ જિલ્લામાં  સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારે આકાશમાં વાદળો છવાયા હતા. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. ત્યારે ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વરસાદ પહેલા પવનને કારણે ધૂળની ડમરી પણ ઉડી હતી. રાજકોટ શહેરમાં હાલ વાતાવરણ ગોરંભાયું છે અને કાળા ડિબાંગ વાદળો છવાયા છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.રાજકોટ-ગોંડલ હાઇવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના રીબડા, પીપળિયા તેમજ આજુબાજુના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કોટડાસાંગાણી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી હતી. કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. હાલ ખેડૂતોના ખેતરમાં તલી, બાજરી, મગનો પાક ઉભો છે. તલીમાં ડોડવા બંધાવાની તૈયારી છે તો બાજરીમાં ડુંડા પણ બેસી ગયા છે. ત્યારે કમોસમી વરસાદથી આ પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ જિલ્લામાં તાપમાનનો પારો પણ ઉંચો રહેતા લોકો આકરી ગરમીથી અકળાયા હતા. ત્યારે બપોર બાદ ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ગોંડલ શહેરે અને ગ્રામ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન આગ ઝરતી ગરમી વરસ્યા બાદ સાંજના સુમારે અચાનક વાતાવરણ પલટાયું હતું. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ગોરંભાયા બાદ તાલુકાના રીબડા, કોલીથડ, પાટીયાળી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું.