Site icon Revoi.in

ગુજરાતમાં 8મી જુનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની પડવાની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં 15મી જુન બાદ વિધિવત ચોમાસાનું આગમન થઈ જશે. હાલ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન દક્ષિણ ભારતના કેરળમાં થઈ ગયું છે. 10થી 15 દિવસમાં મહારાષ્ટ્રની મહેમાનગતિ માણીને મેઘરાજા ગુજરાતમાં પધારશે. દરમિયાન પ્રિમોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8મી જુનથી હવામાનમાં પલટો આવશે. અને કેટલાક સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જોકે હજુ પણ આગામી બે દિવસ સુધી તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જોવા મળી શકે છે. જ્યારે બે દિવસ બાદ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, તા.8મી જુનથી  દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં તેમજ દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજ વાળા પવન આવતા વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલુ જ નહિ પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે. દરમિયાન ગુજરાતમાં 15મી જુન બાદ ચામાસું બેસી જશે. દેશમાં આ વર્ષે સારો વરસાદ થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા રજૂ કરી છે. વિભાગે એક મહિના પહેલાં દેશમાં 99% વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જૂનમાં પંજાબમાં પણ ચોમાસાની સીઝન દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. જૂનમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન, મહારાષ્ટ્ર, પૂર્વ મધ્યપ્રદેશ, પશ્ચિમ ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને આંતરિક કર્ણાટકમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. પંજાબમાં આ વર્ષે માર્ચથી લઈને 22 મે સુધી વાતાવરણ શુષ્ક રહ્યું છે. મે મહિનામાં સરેરાશ દેશમાં વધારે ગરમી નોંધાઈ છે. IMDના જણાવ્યા પ્રમાણે, પંજાબના ત્રણ જિલ્લા અમૃતસર, લુધિયાણા અને પટિયાલામાં વધારે ગરમી નોંધાઈ છે. અમૃતસરમાં તો 2013 પછી પહેલીવાર ગરમી 40 ડીગ્રી પાર થઈ છે.