ગુજરાતમાં વરસાદી માહોલઃ 111 તાલુકામાં મેઘમહેર, પલસાણા અને બારડોલીમાં 6 ઈંચ વરસાદ
અમદાવાદઃ રાજ્યભરમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે, આ વર્ષે મેઘરાજાની પઘરામણી વહેલા થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં ઝાપટાંથી લઈને 6 ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના પલસાણામાં 6 ઈંચ, બારડોલીમાં સાડા પાંચ ઈંચ, પંચમહાલના હાલોલમાં ચાર ઈંચ, ઉપરાંત ચોર્યાસી, મહુવા અને વાલોડમાં પણ ત્રણ ઈંચથી વધુ વપરસાદ પડ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 12.31 ટકા વરસાદ નોંધાયો હતો.
આજે શુક્રવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં આકાશમાં વાદળો ગોરંભાયા છે. દરમિયાન દરિયાઈ સપાટી પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ડાંગ, નવસારી, સુરત, ભરુચ અને તાપીમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આજે દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ,ગાંધીનગર, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
- આગામી 5 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી
રાજ્યના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 6.18 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ પંચમહાલ, તાપી, ડાંગ, ખેડા, નર્મદા, ભરુચ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, વડોદરા, આણંદ, ભાવનગર, છોટા ઉદેપુર, પોરબંદર, પાટણ, અમદાવાદ, અરાવલી, ગાંધીનગર, જૂનાગઢ સહિતના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સવારની સ્થિતિએ રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 103.40 મિ.મી. એટલે કે ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, જે સરેરાશ 12.31 ટકા જેટલો થવા જાય છે. કચ્છ ઝોનમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 12.31 ટકા, મધ્યપૂર્વ ઝોનમાં 11.83 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 9.91 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 13.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.