અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ મુકામ કર્યો છે. આજે બોરસદમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં સાંબેલાધારે 13 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નર્મદાના તિલકવાડા અને ભરૂચમાં પણ 7 ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ છોટા ઉદેપુરના નસવાડી, ભરૂચના ઝઘડિયા અને હાંસોટ, નર્મદાના નાંદોડ સહિત તાલુકાઓમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. આ વરસાદના આંકડા આજે બપોર સુધીના છે. બપોરસ સુધીમાં 167 તાલુકામાં વરસાદ પડ્યો છે. બપોર બાદ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યાના વાવડ મળ્યા છે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા સમયાંતરે બેટિંગ કરી રહ્યા છે. જેમાં આણંદ જિલ્લાના બોરસદમાં માત્ર 4 કલાકમાં સાંબેલાધારે 13 ઈંચ વરસાદ પડતા આખોય વિસ્તાર જળબંબોળ બની ગયો હતો. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા બોરસદ પ્રાંત અધિકારી, બોરસદ મામલતદાર, બોરસદ તાલુકા વિકાસ અધિકારી સહિતના તાલુકા મથકના અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા અને યોગ્ય તકેદારીના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે. બોરસદ પંથકમાં અતિ ભારે વરસાદને કારણે ઠેર-ઠેર માર્ગો પર પાણી ભરાઈ ગયાં છે. જેને પગલે હાલમાં બોરસદ, અલારસા, કોસીન્દ્રા, આંકલાવ રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ભરૂચમાં 7 ઈંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભરૂચ શહેરમાં ફાટા તળાવથી ચાર રસ્તા અને મોટી બજાર જતો રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે બંધ કરવામાં આવ્યો છે. તેમજ શહેર જોડતા અંડર પાસ ગરનાળામાં પાણી ભરાઈ જતા રોડ બંધ કરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવા પડ્યો છે. શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલા શ્યામ વીલા ફ્લેટની બાજુમાં ચાલી રહેલા નવા બાંધકામ દરમિયાન ફ્લેટની પ્રોટેક્શન વોલ તૂટતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
નર્મદાના તિલકવાડા, છાટા ઉદેપુરના નસવાડી, તેમજ ઝગડિયા, હાંસોટ, અંકલેશ્વર, જામનગરના જોડિયા, ભરૂચના વાગરા, વડોદરા શહેર, સિનોર, સહિત તાલુકાઓમાં ચારથી 5 ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
નવસારી શહેરમાં પડી રહેલા વરસાદના કારણે વિજલપોરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વિજલપોરમાં આવેલી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. શહેરમાં આવેલી ચંદનવન, રામનગર, સહિત અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યાં છે.
વરસાદને કારણે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થયો છે. કાવેરી નદી પોતાની ભયજનક સપાટી 19 ફૂટ વટાવાથી માત્ર 2 ફૂટ દૂર, હાલ કાવેરી નદી 17 ફૂટ વહી રહી છે. જ્યારે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવાથી માત્ર 5 ફૂટ દૂર હાલ પૂર્ણા નદી 17 ફૂટ વહી રહી છે
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં 26મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગત મોડી રાત્રે જુનાગઢ, ભરૂચ, વલસાડ સહિતના કેટલાક શહેરોમાં મધ્યમથી અતિ ભારે વરસાદ પડ્યો હતો.