ગુજરાતમાં 22 તાલુકામાં વરસાદ, ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 22 લાતુકામાં વરસાદ વરસ્યો હતો. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 109 તાલુકામાં મેઘમહેર થઈ હતી. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. દરમિયાન બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી અને નવસારી અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરાઇ છે. 24 કલાકમાં 22 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે ખંભાળિયામાં પોણ 3 ઈંચ વરસાદ ખાબકયો હતો. જ્યારે કાલાવડમાં અઢી ઈંચ, મુળી, પડધરી અને રાજકોટમાં 1-1 ઈંચ વરસાદ, સાયલામાં અડધો ઈંચ અને ધંધુકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પણ પહેલો વરસાદ વાવણી લાયક પડતાં ભારે ખુશી જોવા મળી હતી. હાલ એક વરસાદી સિસ્ટમ્સ રાજ્યમાં સક્રિય છે. 16 અને 17 તારીખે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે.
રાજ્યમાં સામાન્ય રીતે 15મી જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય છે. પરંતુ ચાલુ વર્ષે મેઘરાજાની વહેલી પધરામણી થઈ હતી. અમદાવાદમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. રાજ્યમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ છે.