ગુજરાતમાં 239 તાલુકામાં વરસાદ, તાપીના સોનગઢમાં 7 ઈંચ, દહેગામ, મહેસાણામાં 4 ઈંચથી વધુ
અમદાવાદઃ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. મંગળવારે સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં 239 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાંથી સાત ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં તાપીના સોનગઢમાં સાત ઈંચ, ગાંધીનગરના દહેગામમાં પાંચ ઈંચ, મહેસાણામાં સાડા ચાર ઈંચ, અને બનાસકાંઠાના ડીસામાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે અનેક નદીઓમાં પુર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસનદી બે કાંઠે થઇ છે. જ્યારે દાતીવાડા ડેમમાં 4905 ક્યૂસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 566.80 ફૂટે પહોંચી છે. જેને લઇને તંત્ર દ્વારા નદીકાંઠાના ગામડાઓને નદીના પટમાં ન ઉતરવા સૂચના આપી છે. દાંતીવાડાના ડેરી ગામે રાજસ્થાનના બે શ્રમિકો હડમતીયા ડેમમાં નહાવા પડ્યા હતા. જેમાં નહાવા ગયેલા 2 શ્રમિકોમાંથી એકનું મોત થયું હતું.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં 239 તાલુકામાં વરસાદ વરસ્યો હતો . તાપીના સોનગઢમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે, હજુ પણ બે દિવસ અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. તો નદી કિનારાના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે સુરતના બલેશ્વર ગામમાંથી 50 થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. ખાડીના પાણી ફરી વળતાં રેસ્ક્યૂ ટીમે લોકોને બચાવ્યા છે.
બનાસકાંઠામાં બનાસનદી બે કાંઠે થતાં અમીરગઢના નદીકાંઠાના ગામડાઓને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે, કોઇને નદી કિનારા નજીક જવું નહીં. કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હજું નદીમાં વધારે પાણી આવવાની શક્યતાઓ વર્તાઇ રહીં છે.બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદી સિઝનનો વરસાદ દાંતા તાલુકામાં નોંધાયો છે. દાંતા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 48 mm વરસાદ નોંધાયો હતો. અંબાજી અને દાંતા પંથકમાં સતત વરસેલા સારા વરસાદથી લોકોએ ખુશી વ્યક્ત કરી છે.
બનાસનદીમાં પાણીમાં વધારો થતા દાંતીવાડા ડેમમાં 4905 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ડેમની સપાટી 566.80 ફૂટે પહોંચી છે. દાંતીવાડામાં અત્યાર સુધી 21.29 ટકા પાણી થયું છે. જોકે, ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હજુ દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. લાખણી તાલુકાના શેરગઢ ગામમાં પશુપાલક અજમલજી ઠાકોરના ખેતરમાં બાંધેલા પશુ ઉપર અવકાશી વીજળી પડતાં ત્રણેય પશુઓના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. રાત્રે પશુઓ વાડા બાંધેલા હતા સવારના આઠ વાગ્યાંના સમયે અવકાશી વીજળી પડતાં ત્રણ પશુના મોતના કારણે પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતી સર્જાઈ છે.