- ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા,
- મહેસાણામાં ગોપાનાળાં અને ભમ્મરિયા નાળા ભરાયા,
- ગુજરાતમાં બપોર સુધીમાં 83 તાલુકામાં વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં 9મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 136 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ગાંધીનગરના માણસામાં 4 ઈંચથી વધુ અને મહેસાણાના વિજારપુરમાં પણ 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે મહેસાણા શહેર, પ્રાંતિજ, અને ડીસામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં અનેક સ્થળોએ ઝાપટાંથી લઈને અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. મહેસાણા શહેરમાં ભારે વરસાદથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.શહેરના મોઢેરા રોડ પર પાણી ભરાયા હતા. રોડ પર ભરાયેલા પાણીમાં વાહનચાલકો અટવાયા હતા ડીસા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદમાં અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ભારે વરસાદના પગલે ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડીસા તાલુકાના બાઈવાડા ગામે ભારે વરસાદના પગલે ગામ લોકોની મુશ્કેલી વધી છે. વરસાદી પાણી ગામમાં ફરી વળતા બાઈવાડા ગામના લોકો ગામમાં જ ફસાયા હતા. એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે લોકોએ ટ્રેક્ટર મારફતે બહાર આવવા મજબૂર બન્યા હતા.
મહેસાણા શહેરમાં ભારે વરસાદને લીધે ગોપીનાળા અને ભમ્મરિયા નાળામાં વરસાદી પાણી ભરાયા છે. શહેરના બંને નાળામાં પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયા હતા. તેથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના આંબેડકર બ્રિજ, મહેસાણા રાધનપુર ચોકડી, મોઢેરા ચોકડી સહિતના વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. વરસાદી પાણી ભરાતા ગોપી નાળાનો એક ભાગ પણ બંધ કરાયો છે. તાલુકા પંચાયત કચેરી તરફ જવાના રસ્તે વરસાદી પાણી ભરાયા છે. આ રસ્તા પર સ્કૂલ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. લાખણી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈ માર્ગો ઉપરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદને લઈને લાખણીની બજારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા. ઉપરાંત પાટણના સિદ્ધપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. કાલેડા, દશાવાડા, કુંવારા, કલ્યાણા પંથકમાં પણ વરસાદ વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે.
મહેસાણાના વિજાપુરમાં છ કલાકમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી જ વરસાદ પડ્યો હતો. સવારના છથી બાર વાગ્યા સુધી 86 MM વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે જ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી છે. વરસાદ વરસતા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.