- ડેમમાં પાણીનો મર્યાદિત જથ્થાથી તંત્ર ચિંતિત
- ખેડૂતો પણ સિંચાઈ માટે વરસાદ ઉપર આધારિત
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યાં છે. દરમિયાન ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં હાલ માત્ર પીવા જેટલો જ જરૂરી પાણીનો જથ્થો હોવાથી તંત્ર ચિંતામાં મુકાયું છે. તેમજ આગામી દિવસોમાં જો વરસાદ નહીં આવે તો પાણીની પણ સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ ખેડૂતો પણ સિંચાઈ માટે વરસાદની રાહ જોઈને બેઠા છે.
હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસતા જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. જેના લીધે હવે ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ચિંતા ગરકાવ થયાં છે. ઉત્તર ગુજરાત અને ઉપરવાસમાં આ વર્ષે હજુ સુધી સારો વરસાદ થયો નથી. જેના લીધે ડેમમાં પાણીની આવક થઈ નથી. તેમજ હાલ ધરોઇ ડેમમાં 598 ફૂટે પાણીનો જથ્થો સંગ્રહિત છે. જેથી આગામી દિવસોમાં પાણીની વિકટ સમસ્યા ઉભી નહીં થાય. જો કે, ખેડૂતો માટે સિંચાઇનું પાણી મેળવવાનો કોઇ સ્ત્રોત હાલ ઉપલબ્ધ નથી. જેના લીધે આ વિસ્તારના ખેડૂતોમાં પાકને લઈને ચિંતા વધી છે.
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાંથી બનાસકાંઠા, સાબરકાંઠા ,પાટણ અને મહેસાણા જિલ્લાના 701 ગામ અને 12 શહેરના નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત હાલ ધરોઇ ડેમમાં પાણીનો સંગ્રહ ગત વર્ષની સરખામણીએ ત્રણ ફૂટ ઓછો પણ છે.