દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી મોહાલ, 100 તાલુકામાં વરસાદ, નવસારીના ગણદેવીમાં 4 ઈંચ,
અમદાવાદઃ રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળો ગોરંભાયા છતાંયે હજુ વરસાદ પડતો નથી. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે શુક્રવારે બપોર સુધીમાં 100 તલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં નવસારીના ગણદેવીમાં ચાર ઈંચ, તાપીના વ્યારામાં ત્રણ ઈંચ, તથા ચિખલી, નવસારી, મહુવા, અને સોનગઢમાં બેથી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં નવસારી શહેર સહિત જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારી શહેરમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને પગલે કેટલાક વરસાદમાં પાણી ભરાયા હતા. શહેરમાં આવેલા ધાનેરા પોઇન્ટ પાસે વરસાદી પાણી ભરાયા હતા. જેથી વિદ્યાર્થીઓ સહિત નોકરીએ જતા લોકોને ખુબ હાલાકી પડી હતી. પાણી ભરાવાની જાણ નગરપાલિકાની ટીમને થતા પાલિકાની ટીમ દ્વારા પાણીનો નિકાલ કરવાની તજવીજ હાથ ધરી હતી. નવસારી શહેરમાં આવેલા સ્ટેશન, મંકોડીયા, જુનાથાણા, ડેપો, ગ્રીડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડ્યો હતો. જ્યારે તાપીના વ્યારામાં ત્રણ ઈંચ વરસાદપડ્યો હતો, તેમજ દક્ષિણ ગુજરાતના મહુવા સોનગઢ, પારડી, વાલોદ, વાપી, ડોલવણ, જલાલપોર, બારડોલી અને વલસાડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યાના વાવડ મળ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત્ છે. આજે અમરેલી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તેમજ જામનગર શહેરમાં પણ મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવવાનું શરૂ કર્યું છે. સવારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. ત્યારબાદ ધીમીધારે વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં પણ આજે મેઘરાજાએ મંડાણ કર્યા હતા. આ વરસાદ મગફળી અને સોયાબીન સહિતના પાકને ખુબ ફાયદારૂપ સાબીત થશે. જેને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.