ગુજરાતમાં 104 તાલુકામાં વરસાદ, અમદાવાદમાં મેઘાએ ગર્જના કરી લોકોને ભરનિંદરમાંથી ઉઠાડ્યાં
અમદાવાદઃ દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રમાં બિપોરજોય નામના સાયકલોનિક સરક્યુલેશન સર્જાતા અને તે લો પ્રેશરમાં ફેરવાતા આજે વહેલી સવારથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અષાઢી માહોલ સર્જાયો હતો. તેથી રાજ્યના 104 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ખેડાના મહેમદાવાદ અને મહિસાગરના લૂણાવાડમાં બે ઈંચ, તેમજ નડિયાદ, બાલાસિનોર, મહુધા, લાખણી, મોડાસા, આણંદ, જાંબુઘોડા, પાટણ, વિજાપુર, સહિત 104 તાલુકામાં ઝાપટાંથી લઈને દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં પણ વહેલી સવારે મેઘરાજાની ગર્જના અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેની અસરથી આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે 40થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી જ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર,સાબરકાંઠા, અરવલ્લી સહિતના પંથકમાં વીજળીના કડાકાભડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. કેટલાક જિલ્લાઓમાં કરા પણ પડ્યા હતો. ભારે પવન ફૂંકાતા રાજ્યમાં ઠેકઠેકાણે વૃક્ષો પડવા અને જાહેરાતોના હોર્ડિંગ્સ તૂટવા અને કાચ તૂટ્યાના બનાવો સામે આવ્યા છે.
અમદાવાદમાં ભારે પવન સાથે પડેલા વરસાદને પગલે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. અને ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં એકદમ ઠંડક ફેલાઈ ગઈ છે. તેમજ શહેરમાં તળિયાની પોળ સારંગપુર, નાના પોરવાડના ખાંચામાં મકાન ધરાશાયી થતાં ભાગદોડ મછી ગઈ હતી. શહેરમાં સવારે 7થી 8 વાગ્યા સુધીના એક કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના વિરાટનગર, ઓઢવ, રખિયાલ, નિકોલ, રામોલ, મણિનગર, વટવા, નરોડા, મેમ્કો સહિતના પૂર્વ વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે બોડકદેવ, વસ્ત્રાપુર, માનસી ચાર રસ્તા, શિવરંજની, જોધપુર, સેટેલાઇટ, એસજી હાઇવે, બોપલ, સરખેજ સહિતના વિસ્તારોમાં પણ 1થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલાં આજે જળયાત્રા યોજાઈ હતી. જમાલપુર જગન્નાથ મંદિરથી સાબરમતી નદીએ સોમનાથ ભૂદરના આરે પૂજાવિધિ કરવામાં આવી હતી. ભગવાનની જળયાત્રા પહેલાં જગન્નાથ મંદિરમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. શહેરના ગોતા, સાયન્સ સિટી, એસજી હાઇવે, ન્યુ રાણીપ, રાણીપ, મોટેરા, ચાંદખેડા, ઘાટલોડિયા, શાહીબાગ, સેટેલાઈટ, શ્યામલ, લાલ દરવાજા, નરોડા, બાપુનગર, કૃષ્ણનગર, સૈજપુર, બોપલ, થલતેજ સહિતના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયાં છે. ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનોના ઓટલા સુધી પાણી ફરી વળ્યા હતા. હાટકેશ્વર સર્કલ, ખોખરા રુક્મણીનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. હાટકેશ્વર, ખોખરા, CTM, જામફળવાડી, જશોદાનગર, પુનિતનગર રેલવે ફાટક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. આ સાથે જ તળિયાની પોળ સારંગપુર નાના પોરવાડનો ખાંચામાં એક મકાનનો ભાગ ધરાશયી થયો હતો.