ગુજરાતમાં સપ્ટેમ્બરમાં પડેલા વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ભાદરવામાં સીઝનનો 52 ટકા વરસાદ નોંધાયો
અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવા મહિનામાં પડેલા વરસાદે છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજ્યમાં સપ્ટેમ્બરના 29 દિવસમાં જ 17 ઈંચ, એટલે કે 52 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આ વખતે જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ ત્રણ માસ સુધીમાં માત્ર 14.49 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વલસાડના કપરાડા તાલુકામાં 112.84 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે સૌથી ઓછો કચ્છના લખપતમાં માત્ર 7.88 ઈંચ જ વરસાદ વરસ્યો છે. મોટા ભાગે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સીઝનનો અંદાજે 60થી 70 ટકા વરસાદ વરસતો હોય છે, પરંતુ આ વખતે આ બંને મહિનામાં ઘણો ઓછો વરસાદ થયો છે. ઓગસ્ટ મહિનામાં સરેરાશ માત્ર સવા બે ઈંચ જ વરસાદ પડ્યો હતો.
ગુલાબ બાદ શાહીન વાવાઝોડાની અસરને લીધે ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે ગુરૂવારે બપોર સુધીમાં 30 તાલુકોમાં વરસાદ પડ્યો હતો. જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં અને ખંભાળિયા તાલુકામાં અઢીથી ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે,જામનગર,પોરબંદર, દેવભૂમિ દ્વારકાઅને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની શક્યાતા છે. તેમજ આણંદ,ભરૂચ, સુરત,રાજકોટ, જુનાગઢ, મોરબી અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 209 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 28 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો કુલ 31 ઈંચ વરસાદ થયો છે. જે ચાલુ સિઝનનનો 93.88 ટકા વરસાદ છે.
છેલ્લાં 6 વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પડતા વરસાદની સરેરાશ 4.5 ઈંચ જેટલી જ છે. ગત વર્ષે પણ 4.93 ઈંચ જ વરસાદ પડયો હતો, પરંતુ એના આગળના વર્ષે 2019માં સપ્ટેમ્બર માસમાં 13.52 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જેથી આ વર્ષે વરસાદની ઘટ તો જ પૂરી થશે, જો સપ્ટેમ્બર માસમાં 2019ની જેમ ધોધમાર વરસાદ વરસશે એવી હવામાન નિષ્ણાતો દ્વારા અટકળો વ્યક્ત કરાઈ હતી. ગુજરાતના 70થી વધુ તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે, જેમાં ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ રાજકોટના લોધિકા તાલુકામાં 213 ટકા જેટલો વરસાદ થયો છે.