- તામિલનાડુમાં વરસાદનો કહેર યથાવત
- ચેન્નઈમાં શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ
ચેન્નઈઃ- તામિલનાડુ રાજ્યમાં હાલ કમોસમી વરસાદનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અવિરત વરસકાદના કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે.તમિલનાડુના ઘણા શહેરોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજધાની ચેન્નાઈમાં આખી રાત વરસાદ પડ્યો, જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે.રસ્તાઓ પણ પાણીમાં ગદરકાવ થયા છે ચારેતરફ પાણી જ પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર વરસાદની પ્રક્રિયા 4 નવેમ્બર સુધી ચાલુ રહેશે. હવામાન વિભાગે 29 ઓક્ટોબરે ઉત્તર-પૂર્વ ચોમાસાના આગમનનો સંકેત આપ્યો હતો. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે, તેની અસરને કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ચેન્નઈમાં વરસાદના કહેરને જોતા શાળાઓમાં પણ રજાઓ જાહેર કરવામાં આવી ચૂકી છે.રાજ્યના ઘણા જિલ્લાઓમાં શાળા-કોલેજો સહિત બંધ રહેશે. બીજી તરફ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવવા લાગ્યો છે. બદલાયેલા હવામાન વચ્ચે મંગળવારે જમ્મુ-કાશ્મીરના ઘણા ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ હતી.
જો ચેન્નાઈની વાત કરીએ તો અહીના જાણીતા વિસ્તાર એવા અશોક નગર, કેકે નગર, ટોંડિયારપેટ સહિત ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. શહેરમાં સોમવાર અને મંગળવારે ભારે વરસાદ થયો હતો. આજે બુધવારે પણ વરસાદી માહોલ જારી રહ્યો હતો.
આ સાથે જ તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન આજે સ્થિતિની સમીક્ષા કરવા બેઠક કરશે. તેમણે વરિષ્ઠ અધિકારીઓ સાથે શહેરના અનેક વિસ્તારોમાં સ્થિતિનો તાગ મેળવ્યો હતો. હવામાન વિભાગે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.આ સાથે જ ાગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની ક્યતાઓ સેવાઈ રહી છે.