Site icon Revoi.in

ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે જનજીવન ખોરવાયું: 34ના મોત

Social Share

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હાલ મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ઉત્તરભારતમાં મેઘતાંડવનો માહોલ ઉભો થયો હોય તેમ ભૂસ્ખલન અને અનેક સ્થળોએ પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. 24 કલાકમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા, મકાન ધરાશાયી થવા, વૃક્ષો પડવા અને વીજળી પડવાથી 34 લોકોના મોત થયા હતા. સૌથી વધુ 11 મોત હિમાચલમાં થયા હતા. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં 8, ઉત્તરાખંડમાં 6, દિલ્હીમાં 3, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને પંજાબમાં બે-બેના મોત થયા હતા. હિમાચલના મંડીમાં બિયાસ નદીના વહેણમાં 40 વર્ષ જૂનો પુલ ધોવાઈ ગયો હતો. જ્યારે દિલ્હીમાં 41 વર્ષ બાદ જુલાઈમાં એક જ દિવસમાં 153 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ઉત્તર રેલવેએ 17 ટ્રેનો રદ કરી હતી જ્યારે 12 ટ્રેનોના રૂટ બદલવા પડ્યા હતા. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનથી રસ્તાઓ કાટમાળમાં ફેરવાઈ ગયા છે, જ્યારે રાજધાની દિલ્હી સહિત મેદાની રાજ્યોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે વાહનવ્યવહારને માઠી અસર થઈ છે. દિલ્હીમાં યમુનાનું પાણી ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પંજાબ, હિમાચલના મુખ્ય પ્રધાનો અને દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરો સાથે વાત કરી હતી અને પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

હિમાચલમાં 24 જૂને ચોમાસાનું આગમન થયું ત્યારથી ભારે તબાહી થઈ હતું. શનિવારે મોડી રાત્રે મંડી અને કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે બિયાસ નદીમાં અચાનક પાણી વધી ગયું હતું, જેમાં ત્રણ પુલ, એક એટીએમ અને ચાર દુકાનો ધોવાઈ ગઈ હતી. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારે વરસાદ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પંજાબના ઘણા વિસ્તારોમાં ટ્રેક પર પાણી ભરાવાને કારણે અંબાલાથી ઉના-અંબ-દૌલતપુર ચોક તરફ આવતી વંદે ભારત સહિત અન્ય ટ્રેનોની અવરજવર અટકી પડી હતી. શ્રીખંડ મહાદેવની યાત્રા બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. રાજસ્થાનના હનુમાનગઢમાં છ ઈંચ પાણી વરસી ગયું હતું. બીજી તરફ ઝુંઝુનુ અને સીકરમાં પૂર જેવી સ્થિતિ છે. તેમજ કુલ્લુ-મનાલીમાં વાદળ ફાટવાને કારણે બિયાસ નદીમાં અચાનક આવેલા પૂરને કારણે અનેક વાહનો ધોવાઈ ગયા હતા. મનાલી-લેહ, ચંદીગઢ-મનાલી સહિત પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગો ભૂસ્ખલનના કારણે 736 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. હેરિટેજ કાલકા-શિમલા ટ્રેક પર કાટમાળ પડવાને કારણે ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.

દિલ્હીમાં યમુના નદીનું પાણી ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું હતું. રાત્રે 9 વાગ્યે, જૂના રેલ્વે બ્રિજ પર પાણી 203.62 મીટરની ઊંચાઈએ હતું, જે લાલ નિશાનથી 1.71 મીટર નીચે હતું. યમુનાનગરના હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડવાના કારણે દિલ્હી સરકારે પૂરનું એલર્ટ જાહેર કર્યું હતું. અત્યાર સુધીમાં એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. દિલ્હીમાં રવિવારે સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકમાં 153 મીમી વરસાદ નોંધાયો હતો. 41 વર્ષ પહેલા 25 જુલાઈ 1982ના રોજ 169.9 મીમી વરસાદ બાદ આ સૌથી વધુ છે. દિલ્હીમાં ગુરુદ્વારા રકાબ ગંજ રોડ ખાતે બીજેપી સાંસદ સાક્ષી મહારાજ, જનપથ રોડ ખાતે બીજેપી સાંસદ પ્રવેશ વર્મા, રાયસીના રોડ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી, મથુરા રોડ ખાતે દિલ્હીના જાહેર બાંધકામ વિભાગના મંત્રી આતિષીના ઘર પર પાણી ભરાઈ ગયા હતા. લુધિયાણાના ખન્ના ખાતે સતલુજના કિનારે ફસાયેલા 50 લોકોને બચાવી લેવાયા હતા. રોપર-નાંગલ રેલ ટ્રેક ઉખડી ગયો હતો. ભટિંડામાં પણ NDRF તૈનાત કરવામાં આવી હતી.

ભારે વરસાદના કારણે શાળાઓ બંધ કરવી પડી હતી. સોમવારે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, હાપુડ અને ફરીદાબાદમાં શાળાઓ બંધ રખાઈ હતી. લુધિયાણામાં પણ વરસાદને કારણે શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન ગાઝિયાબાદમાં વરસાદ અને કંવર યાત્રાને કારણે 10-16 જુલાઈ સુધી શાળાઓ બંધ રહેશે.