- હવામાન વિભાગ કહે છે, અઠવાડિયું વરસાદ નહીં પડે,
- આજે બુધવારે બપોર સુધીમાં 3 તાલુકામાં સામાન્ય ઝાપટાં પડ્યા,
- અંબાલાલ પટેલ કહે છે, 22મી સપ્ટેમ્બર બાદ વરસાદનો એક રાઉન્ડની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં મેધરાજાએ હવે વિરામ લીધો છે. આજે બુધવારે બપોર સુધીમાં માત્ર ત્રણ તાલુકામાં વરસાદના સામ્નય ઝાપટાં પડ્યા હતા જેમાં નવસારીના જલાલપોર, વલસાડના ઉંમરગામ અને નવસારી શહેરનો સમાવેશ થાય છે. આમ તો હવે મેઘરાજા વિદાય લેવાની તૈયારીમાં છે. પણ કેટલાક હવામાનશાસ્ત્રીઓના કહેવા મુજબ સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 125 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઝોનવાઈઝ વરસેલા વરસાદની વાત કરીએ તો, કચ્છ ઝોન 183 ટકા, સૌરાષ્ટ્ર ઝોન 130 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 129 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન 121 ટકા અને ઉત્તર ગુજરાત ઝોન 107 ટકા વરસાદ નોંધાયો છે. એટલે સીઝનનો સૌથી વધુ વરસાદ કચ્છમાં પડ્યો છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના નહિવત્ છે. માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની સંભાવના છે. ધીરે ધીરે હવે વરસાદીની ગતિ ધીમી પડશે. રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતાં બફારો અનુભવાય રહ્યો છે.
જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના કહેવા મુજબ સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં વરસાદ પડવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. 22 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આ વરસાદ નવરાત્રિના શરૂઆતી દિવસોની મજા બગાડી શકે છે. અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી.