સુરતઃ દિલ્હીમાં કરોડો રૂપિયાના ખર્તે બનાવેલા નવા સંસદ ભવનમાં વરસાદી પાણી ટપકતુ હોવાનો વિડિયો વરરલા થયો છે. તેમજ ગુજરાતમાં પણ નવા જ બનાવેલા બ્રિજમાં પ્રથમ વરસાદમાં ગાબડાં પડ્યાના અહેવાલો પ્રકાશિત થયા હતા. ત્યારે તાજેતરમાં સુરત શહેરમાં પડેલા વરસાદને લીધે શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટની છતમાંથી વરસાદી પાણી ટપકતા ઠેર ઠેર ડોલો મુકવાની ફરજ પડી હતી. પાણી ટપકતું હોવાથી પ્રવાસીઓ પણ પરેશાન બન્યા હતા. દરમિયાન એરપોર્ટ ઓથોરિટી દ્વારા બેરિકેડ લગાવી 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવાની ફરજ પડી હતી.
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટની છતમાંથી વરસાદી પાણી ટપકતા ડોલો મૂકવાનો વારો આવ્યો છે. ઈન્ટરનેશનલ એરપોર્ટના જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકવાને લીધે મુસાફરોને ભારે પરેશાન ભોગવવી પડી હતી. છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે નહીં માટે પ્લાસ્ટિકની ડોલો મૂકી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. પાણી ટપકતું હોવાથી બેરિકેડ લગાવી 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવો પડ્યો છે. કરોડો રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોલમપોલ જ સામે આવી રહી છે.
એરપોર્ટ ઓથોરિટીનાં અધિકારીઓએ વરસાદી પાણી ટપકવાના મામલે બચાવ કરતા જણાવ્યું હતું કે. એરપોર્ટના બે તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગનો વચ્ચેનો ભાગ રિનોવેટ કરવા ટેન્ડર ઇસ્યુ થયા પછી વર્ક ઓર્ડર પણ આપી દેવાયો છે. આ કામ પૂર્ણ થયા બાદ પાણી નહીં ટપકે.
સુરત એરપોર્ટના જૂના ટર્મિનલની છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે તો અહીંથી પ્રસાર થતા મુસાફરો લપસી પડવાનો ભય રહેલો છે. આ બાબતે સિવિલ વિભાગને જાણ કરવામાં આવી હતી. ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યા પછી ટપકતું પાણી બંધ કરવાને બદલે પેસેન્જર એરિયા બંધ કરી દીધો છે. જૂના ટર્મિનલની છતની નબળી જાળવણીને કારણે લીકેજની સમસ્યા ઊભી થઈ છે. 2009માં કેન્દ્રનાં નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલે આ ટર્મિનલનું ઉદઘાટન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષમાં એરપોર્ટ પર રિપેરિંગ અને મેઇન્ટેનન્સ પાછળ 18.51 કરોડ ખર્ચાયા છે. છતાં ટર્મિનલ બિલ્ડિંગમાં પાણી ટપકે છે. AAIના સૂત્રો કહે છે કે, 3 વર્ષમાં અનુક્રમે 3.71 કરોડ, 4.63 કરોડ અને 10.17 કરોડનો ખર્ચ રિપેરિંગ અને મેઇન્ટેનન્સ પાછળ કરાયો છે.