Site icon Revoi.in

પાલનપુરમાં વરસાદી પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાની ભીતિ

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસ પહેલા પડેલા વરસાદને કારણે રહેણાંક વિસ્તારોમાં રોડ પર પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળી રહ્યા છે. તેના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. આથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટે આરોગ્ય વિભાગે નગરપાલિકાને પત્ર લખીને જાણ કરી છે. વરસાદી પાણીનો નિકાલ કરવાની જવાબદારી નગરપાલિકાની છે. પરંતુ નગરપાલિકાએ તેમાં બેદરકારી દાખવતા આરોગ્ય વિભાગે શહેરમાં સર્વે કરી અને ભરાયેલા વરસાદી પાણીના વિસ્તારોની યાદી સોંપી છે અને તાત્કાલિક પાણી નિકાલ કરવાની સૂચના આપી છે. કારણ કે જો આ વરસાદી પાણીનો નિકાલ ન થાય તો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ છે. પાણીનો નિકાલ ન કરતા શહેરીજનોમાં પણ નગરપાલિકા સામે રોષ છે.

પાલનપુર શહેરના અનેક વિસ્તારો એવા છે, જે વરસાદી પાણીથી ભરાયેલા છે. શહેરના બેચરપુરા નજીક શક્તિનગર, આદર્શ હાઇસ્કુલ, ગોવિંદા સ્કૂલ,હમીરબાગ, નાની બજાર તેમજ હાઈવેના અનેક વિસ્તાર સહિતના વિસ્તારોમાં છેલ્લા દસ દિવસથી પાણી ભરાયેલા છે. આવવા જવાના મુખ્ય માર્ગો પર ભરાયેલા પાણીને કારણે અને રહેણાંક વિસ્તાર હોવાથી રોગચાળાનો ભય ઊભો થયો છે. તાજેતરમાં જ પાલનપુરમાં કોલેરા અને ચાંદીપુરા વાઇરસ સહિતના કેસ નોંધાયા હતા. ત્યારે પાલનપુર નગરપાલિકાની બેદરકારી અને સ્થાનિકોની રોજે રોજ રજૂઆત છતાં પાણીનો નિકાલ ન થતા નગરપાલિકા સામે સ્થાનિકોનો અસંતોષ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ છેલ્લા એક માસથી શહેરમાં રોગચાળો ન ફેલાય રોગચાળો કાબુ આવે તેવા પ્રયત્નો કરી રહ્યું છે. દરેક જગ્યાએ દવાનો છંટકાવ કરી અને તેની ટીમો સર્વે કરી રહી છે પરંતુ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીને કારણે રોગચાળાનો ભય આરોગ્ય વિભાગને પણ સતાવી રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગે તેની ટીમો દ્વારા ભરાયેલા વરસાદી પાણીના વિસ્તારોનો શહેરમાં સર્વે કરાવ્યો હતો. અને એ યાદી નગરપાલિકાને સોંપી છે અને પત્ર લખ્યો છે કે તાકીદે પાણીનો નિકાલ કરો નહીં તો પાલનપુર રોગચાળામાં સપડાશે.