Site icon Revoi.in

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલઃ ઉમરગામમાં 12 અને વાપીમાં 10.5 ઈંચ વરસાદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે.  24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 14 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામમાં 12 ઈંચ અને વાપીમાં સાડા 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે રોડ-રસ્તા અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા હતા અને જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વલસાડ જિલ્લામાં વરસેલા વરસાદે તરાજી સર્જી છે. ભારે વરસાદે વાપી તેમજ વલસાડ શહેરમાં ઠેર- ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના પગલે લોકોની દુકાનો અને સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે. વલસાડના વાપીના ગુંજન વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા દુકાનોમાં રાત્રી દરમિયાન પાણી ભરાયા છે.

કચ્છમાં સીઝનનો 112.42 ટકા, ઉત્તર ગુજરાતમાં 53.77 ટકા, મધ્ય ગુજરાતમાં 47.12 ટકા, સૌરાષ્ટ્રમાં 83.30 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 47.12 ટકા વરસાદ વરસ્યો છે. સમગ્ર ગુજરાતમાં સીઝનનો 59.11 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના કેટલાક વિસ્તારોમાં  21 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 6 ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે. વલસાડ, પારડી, ઉમરગામ, વાપી, કપરાડા, ધરમપુરના રસ્તાઓ બંધ કરાયાં હતા. લગભગ 24 રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. તેમજ કોલક નદી, વણઝાર ખાડી, વાંકી નદી, તેમજ નાની મોટી નદીઓના પાણી બ્રિજ પરથી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે.