રાજ્યમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલઃ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ
- 6 કલાકમાં 42 તાલુકામાં વરસાદ વરસ્યો
- નવસારીમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ બાદ સતત ત્રીજા દિવસે પણ આજે વરસાદી મહોલ જોવા મળ્યો છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન દક્ષિમ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં 6 કલાકના સમયગાળામાં 42 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. નવસારીમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. આ ઉપરાંત રાજકોટના ધોરાજી, મહિસાગરના કડાણા, તાપીના સોનગઢમાં પણ એક ઇંચ આસપાસ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું અને વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. સુરત, વલસાડ, તાપી , નવસારી, ભરુચ, ડાંગ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ નવસારી તાલુકામાં 2 ઇંચ, જલાલપોર અને ચીખલી તાલુકામાં દોઢ-દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સુરતના મહુવામાં સવા એક ઇંચ વરસાદ વરસ્યો હતો. આવી જ રીતે નવસારીના ગણદેવીમાં પણ એક ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લાના પારડીમાં 1 ઇંચ, વલસાડમાં 1 ઇંચ, તાપીના વાલોડમાં 1 ઇંચ, તાપીના વ્યારામાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ચોમાસાની આગમનની સાથે જ વિવિધ શહેરો અને નગરોમાં મેઘરાજાની પધરામણી થઈ છે. રાજ્યમાં ધીમી ધારે વરસતા વરસ્યો હતો. રાજ્યમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. બીજી તરફ હવામાન વિભાગે હજુ ત્રણેક દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં મેધમહેર થતાની સાથે જ જળાશયોમાં નવા પાણીની પણ આવક શરૂ થઈ છે.