અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 248 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો હતો. સૌથી વધારે 12 ઇંચ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં વરસ્યો છે. જ્યારે જૂનાગઢના મેંદારડામાં 8 ઇંચ, પાટણના રાધનપુરમાં 8 ઇંચ બનાસકાંઠાના ભાભરમાં7 ઇંચ અને જૂનાગઢના વંથલીમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
ભારે વરસાદના કારણે એક સ્ટેટ હાઈવે અને 13 પંચાયતના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે, તેને રાત સુધીમાં પૂર્વવત્ કરી દેવાશે. તો, અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 12,444 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હજુ 3 દિવસ, ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થવાથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ગઈકાલે જૂનાગઢમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે આજે કચ્છ, પાટણ અને મોરબીમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. તો દાહોદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ અપાયું છે.
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે, અને સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના પરિણામે અનેક નદીઓ ગાંડીતુર બની છે. બીજી તરફ જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 85 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીને એલર્ટ જાહેર કર્યું હતું. બીજી તરફ વહીવટી તંત્ર પણ સાબદુ બન્યું છે.