અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુના કેસમાં વધારો
અમદાવાદઃ શહેરમાં સતત વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય સાથે પાણીજન્ય રોગોમાં વકર્યો છે. શહેરમાં ઝાડા ઊલટી, ટાઇફોઇડ અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. માત્ર 5 દિવસમાં ઝાડા ઊલટીના 255 કેસો, ટાઇફોઇડના 144 અને ડેન્ગ્યુના 83 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 28 કેસો છે. કોલેરાના 8 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના 24 કેસો નોંધાયા છે. જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે ઝાડા ઉલટી ટાઈફોડ અને ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. આ આંકડા સરકારી હોસ્પિટલો અને દવાખાનાના છે. જ્યારે ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા માટે શહેરમાં પાણી ભરાયેલું હોય તેવા વિસ્તારોમાં દવાનો છંટકાવ, ફોગિંગની કામગીરી, મચ્છરના પોરા નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિ, કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ દરમિયાન મચ્છરોના બ્રિડિંગ મળી આવતાં કાર્યવાહી કરવામાં આવી છે. જુલાઇ મહિનામાં ઝાડા ઊલટીના 1139, ટાઇફોઇડના 451, અને ડેન્ગ્યુના 174 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 166 કેસો છે. કોલેરાના 6 કેસો નોંધાયા હતા. શહેરમાં સતત વરસાદી વાદળછાંયુ વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. આ અંગે એએમસીના હેલ્થ વિભાગના વડા ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાના 5 દિવસમાં ઝાડા ઊલટીના 255 કેસો, ટાઇફોઇડના 144 અને ડેન્ગ્યુના 83 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 28 કેસો છે. ચોમાસાની સીઝન દરમિયાન મચ્છરજન્ય રોગચાળો વધવાની શક્યતા છે જેના પગલે અવેરનેસ કાર્યક્રમો અને ફોગિંગ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. દરેક અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પૂરતા પ્રમાણમાં લેબોરેટરીના સાધનો અને દવાઓની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં જુલાઇ અને ઓગસ્ટ માસ દરમ્યાન વરસાદી સીઝનમાં પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થવાથી પાણીજન્ય રોગોમાં ઝાડા ઊલટી અને ટાઇફોઇડના કેસો વધ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા 952 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 7 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા છે જ્યાં પણ આવા અનફિટ સેમ્પલો મળી આવ્યા છે ત્યાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા લીકેજને રીપેર કરવાની કામગીરી કરવામાં આવે છે. (FILE PHOTO)