અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજે ગુરૂવારે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં પોશીના, ભૂજ, ગઢડા, ભાવનગર, નખત્રાણા, વલ્લભીપુર, જેતપુર, મહુવા,માણાવદર સહિત 90 તાલુકામાં વરસાદ પડતા ખેડુતોમાં હરખની હેલી જોવા મળી છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. અને માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો મોકલી દેવામાં આવી છે. અને જે જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે જિલ્લાના જવાબદાર અધિકારીઓને એલર્ટ રહેવા જણાવાયુ છે.
ગુજરાતમાં આજે પણ દિવસ દરમિયાન ભાવનગર, રાજકોટ, વંથલી, પાટણ, અમરેલી સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ તથા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કારણ કે, 35 થી 45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. જૂનાગઢમાં એક JCB ગટરમાં ખાબક્યું હતું. જેથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. બીજી તરફ સારા વરસાદના પગલે ઉબેણ ડેમ છલકાયો હતો. કચ્છના નખત્રાણામાં બપોર બાદ ધોધમાર વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા. નખત્રાણાની બજારમાં ધમસમસતા પાણી જોઈ વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.
આ ઉપરાંત ગોંડલમાં ભગવતપરા વિસ્તારમાં ગોંડલી નદી પર આવેલી પૂર સંરક્ષણ દીવાલનો કેટલોક ભાગ ઘસી પડ્યો હતો. ભારે વરસાદની કારણે પાણીના પ્રવાહમાં દીવાલનો કેટલો ભાગ તૂટી પડ્યો હતો. બે ટુકડામાં 110 મીટરની પારાપેટ વોલ તૂટી જવા પામી છે. ફૂટપાથ બેસી જતાં વીજપોલ પણ નમી ગયો હતો. હાલ મોવિયા ચોકડીથી સિવિલ હોસ્પિટલ માંધાતા સર્કલ સુધીનો રોડ ભારે વાહન અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. વીજ પ્રવાહથી ચાલુ વીજપોલ ઝૂકી ગયા હતા. વીજ પોલ ઝૂકી જતાં લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો. ચાલુ વીજ પોલ પડી જતાં મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના હતી. જોકે સદનસીબે મોટી જાનહાનિ થતાં અટકી હતી. ઘટનાની જાણ થતા નગરપાલિકા અને PGVCL તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું.
નખત્રાણા નગરમાં ભારે વરસાદ પડતા નગરની મુખ્ય બજારમાંથી જાણે નદી વહી નીકળી હોય તેવા દ્દશ્યો સર્જાયા હતા. બપોરે ત્રણ કલાકે શરૂ થયેલો વરસાદ સતત દોઢ કલાક સુધી અવિરત રહેતા નખત્રાણા શહેરમાં અંદાજીત દોઢ ઇંચ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ ખાબકી પડતા નખત્રાણામાંથી પસાર થતો ભુજ લખપત ધોરીમાર્ગ પર પાણી ફરી વળતા બન્ને તરફ વાહનોની રફતાર થંભી ગઈ હતી.