Site icon Revoi.in

ગુજરાતમાં જામતો વરસાદી માહોલ, આજે મંગળવારે બપોર સુધીમાં 60 તાલુકામાં પડ્યો વરસાદ,

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજં મંગળવારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 60 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ખેડા, વિસાવદર, દેસર, કાલોલ,સાવલી અને જાંબુઘોડામાં એખથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે બાકીના તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થયું છે. આજે મંગળવારે સવારે 7 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 153 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ખેડાના માતરમાં 4 ઈંચથી વધુ તથા પંચમહાલના કાલોકમાં 4 ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં સાડા ત્રણ ઈંચ, તથા મહેમદાવાદ, ધંધુકા, લાલપુર, માણસા સહિતના તાલુકામાં બેથી ત્રણ વરસાદ નોંધાયો હતો.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. બે કલાકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દેતાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વહેલી સવારે પાંચ વાગ્યાથી પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. સૌથી વધારે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા અને મેમ્કો વિસ્તારમાં પડ્યો હતો. જ્યારે ઓઢવ અને રખિયાલમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ચોમાસુ મધ્ય-ઉત્તર ગુજરાતમાં પ્રવેશ્યું છે. ગતરોજ સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ મોડી રાતથી મધ્ય-ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ગઇકાલે સવારે 7 વાગ્યાથી આજે મંગળવારે સવારે 7 વાગ્યા સુધી રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ખેડા જિલ્લાના માતરમાં પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી રાજ્યના 59 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડતાં લોકોએ અસહ્ય બફારામાંથી રાહત મેળવી છે.