અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગે સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 115 જેટલા તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. રાજ્યમાં ચોમાસામાં અત્યાર સુધીમાં વરસેલા સારા વરસાદને પગલે જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ છે. 207 જેટલા જળાશયોમાં 80 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. જળાશયોમાં જંગી પાણીની આવકને પગલે ઉનાળાના ગરમીના દિવસોમાં રાજ્યની જનતાને પીવાના પાણીમાં ભટકવુ નહીં પડે, એટલું જ નહીં ખેડૂતોને પણ સિંચાઈ માટે પુરતુ પાણી મળવાની આશા વ્યક્ત થઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. 24 કલાકમાં રાજયના 115 તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દાહોદના ફતેપુરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર સહિત રાજ્યના અનેક તાલુકામાં હળવો વરસાદ વરસતા માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. રાજ્યમાં સિઝનનો કુલ 81.16 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. લૉ પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.