Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદી માહોલ, 135થી વધુ તાલુકામાં વરસાદ, સુરતમાં 6 ઈંચ, અનેક વિસ્તારો જળબંબોળ

Social Share

અમદાવાદઃ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે રવિવારે સવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના પલસાણામાં 6 ઈંચ, તથા બારડોલી, વાપી, મહુવા, અને ઓલપાડ અને સુરત શહેરમાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે વલસાડ, કામરેજ, ખેરગામમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. બાકીના તાલુકામાં ઝાપટાંથી લઈને ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત બપોરે 12 વાગ્યથી 2 વાગ્યા સુધીમાં 107 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં મોરબી, ધનસુરા, કપરાડા, ભરૂચ અને સુરત શહેરમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં આજે સવારના 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 6 ઈંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.

રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન માછીમારોને ખાસ ચેતવણી જાહેર કરીને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જેમાં વાપીમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 6 ઈંચ અને સુરત શહેરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો, દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં સુરતમાં સરેરાશ છ ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. મોડી રાતથી જ અનરાધાર વરસતા વરસાદથી શહેરના કતારગામ હાથીવાળા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડરોડ વિસ્તારમાં, ઉધના ગરનાળુ, અઠવા ગેટ, મજુરા ગેટ સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો છે. વેડરોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબે તેવી સ્થિતિ થઈ છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાતા તંત્રએ રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે. ભારે વરસાદને કારણે સુરતના જન-જીવન પર ભારે અસર જોવા મળી રહી છે.  વલસાડ, સુરત અને નવસારી સહિતમાં વહેલી સવારથી જ મેઘસવારી આવી પહોંચી હતી. વાપીમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતમાં ફરી એકવાર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આખું અઠવાડિયું મેઘમહેર રહેશે. સાથે સાથે 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્રમાં વિન્ડ શિયર સર્જાવાથી બે દિશાના પવનો એકબીજા સાથે ટકરાતાં આ સ્થિતિ ઉભી થઈ છે.