ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, 78 તાલુકામાં વરસાદ વરસ્યો
અમદાવાદઃ ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસુ જામી રહ્યું છે. દરમિયાન અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમજ રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદી માહોલ ધીમેધીમે જામી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા છે. આજે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં ચોમાસુ આગળ વધ્યું છે અને નર્મદા જિલ્લામાં મધરાતથી વરસાદ શરૂ થયો હતો અને સવારથી ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો.
વડોદરામાં પણ ગત રાતથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ગત રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, પાવી જેતપુર,, અને ક્વાંટ તાલુકામાં ગાજવીજ સાથે સતત એક કલાક સુધી વરસેલા વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા હતા તો તાપી જિલ્લામાં પણ સૌથી વધુ વ્યારા તાલુકામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. આજે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં,, ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચુકી છે. બીજી તરફ વરસાદી માહોલને પગલે ખેડૂતો પણ વાવણીમાં જોતરાયાં છે. આ વર્ષે ચોમાસુ સારુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન ગઈકાલે જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.