રાજ કુંદ્રા કેસઃ મુંબઈ ક્રાઈમબ્રાન્ચ ફરી એકવાર શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરે તેવી શકયતા
મુંબઈઃ રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ વધુ એકવાર પૂછપરછ કરે તેવી શકયતા છે. ક્રાઈમબ્રાન્ચના સુત્રોના જણાવ્યા અનુસાર પીએનબી બેંકમાં એક જોઈન્ટ એકાઉન્ટ, રાજ કુંદ્રાની ઓફિસની સિક્રેટ તીજોરીમાંથી મળેલા દસ્તાવેજ, શિલ્પાના નામ ઉપર ખરીદવામાં આવેલી સંપતિ બાબતે પૂછપરછ કરાય તેવી શકયતા છે. જો કે, શિલ્પા શેટ્ટીએ આ રેકેટથી અજાણ હોવાનું અગાઉ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. જો કે, અહીંથી થતા આવક માત્ર એકાઉન્ટમાં જ જમા ન હતા થતા, પરંતુ ક્રિપ્ટો કરન્સી અને અન્ય પ્રોપર્ટીમાં રોકાણના સંબંધિત દસ્તાવેજો ઉપર તેમની સહી છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં શિલ્પા શેટ્ટીની કોઈ સંડોવણી સામે આવી નથી. જો કે, પીએનબીમાં રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીના જોઈન્ટ એકાઉન્ટની વિગત સામે આવતા પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ એકાઉન્ટમાં એક વર્ષના સમયગાળામાં કરોડોના વ્યવહાર થયાં છે. ક્રાઈમબ્રાન્ચને શંકા છે કે, હોટસ્પોટ એપ અને બેલી ફામ એપથી થતી આવક આ કાઉન્ટમાં જમા થતી હતી. આ એકાઉન્ટમાં સીધું ટ્રાન્ઝેક્શન થયું નથી. પરંતુ અલગ-અલગ માધ્યમથી થોડા-થોડા નાણા ટ્રાન્સફર થયાં છે. ક્રાઈમબ્રાન્ચનું માનવું છે કે, શિલ્પા પોર્નોગ્રાફીથી થતી આવકની મની ટ્રેલ સાથે જોડાયેલી કેટલીક માહિતી છુપાવી રહી છે. મની ટ્રેલમાં કેટલાક મહત્વના દસ્તાવેજ ક્રાઈમબ્રાન્ચના હાથે લાગ્યાં છે. જે બાદ શિલ્પા શેટ્ટીની ફરીથી પૂછપરછ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ક્રાઈમબ્રાન્ચે શિલ્પા શેટ્ટીનું લેપટોપ, આઈપેડ અને ફોનને ક્લોનિંગ કરવા જપ્ત કર્યા છે. તેને ગુજરાતના ફોરેન્સિક લેબ મોકલાયા છે. એફએસએલના રિપોર્ટ બાદ કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. રાજ કુંદ્રાની ઓફિસમાંથી ગુપ્ત તીજોરી મળી આવી હતી. જેમાંથી કેટલાક મહત્વના દસ્તાવેજો મળી આવ્યાં છે.
(Photo - Social Media)