અમદાવાદઃ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ ઉચ્ચરણોના વિરોધમાં ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે 9મી એપ્રિલને મંગળવારે બપોરે 2 વાગ્યે કમલમ ખાતે વિરોધ પ્રદર્શનનું એલાન કર્યુ હતુ. અને મંગળવારે સવારે રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ પોલીસે તેમને નજરકેદ કર્યા હતા. અને ત્યારબાદ તેમની અટકાયત કરી સાયબર ક્રાઈમ કચેરીએ લઈ જવામાં આવ્યા હતા. એરપોર્ટ પર પોલીસવાનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી શેખાવતની પાઘડી નીકળી જતા તેઓ ગુસ્સે ભરાયા હતા અને બૂમાબૂમ કરી હતી. કરણી સેનાએ પાઘડી ઉછાળનારા પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા માગ કરી હતી.
કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને અટકાયત કરીને સાયબર ક્રાઈમની કચેરીએ લઈ જવાયા બાદ
મોડી સાંજે મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકરો સાયબર ક્રાઇમની ઓફિસ પહોંચી ગયા છે. જ્યાં રાજ શેખાવતને છોડાવવાની માગ સાથે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ બહાર હનુમાન ચાલીસા અને રામ ધૂન બોલાવી હતી. ત્યારે કરણી સેનાના કાર્યકરોએ નારાબાજી સાથે ગેટ ખોલી અંદર જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસે તેમને રોકી લીધા હતા. જેથી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારબાદ મામલો થાળે પાડવા પોલીસ રાજ શેખાવતને લઇને બહાર આવી હતી. રાજ શેખાવતે 10 મિનિટ રાહ જોવાનું કહેતા કાર્યકરો શાંત થયા હતા.
આ અંગે સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પોલીસે રાજ શેખાવતની પાઘડી ઉછાળી છે, હવે ક્ષત્રિય સમાજ આનો જવાબ માગી રહ્યો છે. આ કૃત્યની હું નિંદા કરું છું અને હું ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને અપીલ કરૂ છું કે, આ કૃત્યમાં જે પોલીસકર્મી જવાબદાર છે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા આવે. રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે તેને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી હું વિનંતી કરૂ છું. અમારું આંદોલન ધીરજ અને શાંતિથી ચાલી રહ્યું છે.