મુંબઈઃ મસ્જીદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની રાજ ઠાકેરેએ માંગણી કરતા લાઉડસ્પીકરને લઈને વિવાદ ઉભો થયો છે. દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેના સુપ્રીમો રાજ ઠાકરેએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવાની જાહેરાત કરી હતી. તેમજ તા. 1લી માર્ચના રોજ તેઓ ઔરંગાબાદમાં જનસભાને સંબોધિત કરશે. તેમજ રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, હિન્દુઓને 3 મે સુધી રાહ જોવી જોઈએ, જો દેશભરની મસ્જિદોના લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો તે મસ્જિદોની બહાર પાંચ વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો પડશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ ઠાકરેએ સમગ્ર દેશની મસ્જીદોમાંથી 3 મે સુધીમાં લાઉડસ્પીકર હટાવવાની માંગણી કરી છે. દરમિયાન ઠાકરેએ જણાવ્યું હતું કે, જો રાજકીય રેલી માટે લાઉડસ્પીકર લગાવવું હોય તો પોલીસની પરવાનગી લેવી પડે છે અને મસ્જિદોમાં દિવસમાં 5 વખત લાઉડસ્પીકર પર અઝાન આપવામાં આવે છે, આ માટે કોઈ નિયમ હોય કે ન હોય. રોજ આ અંગે પરવાનગી આપે છે. આજ સુધી લોકો આ સહન કરતા આવ્યાં છે પરંતુ હવે બહુ થયું, લોકોએ સમજવું જોઈ કે, આ ધાર્મિક મુદ્દો નથી પરંતુ સામાજીક મુદ્દો છે અને આ અંગે નિર્ણય લેવો જોઈએ.
રાજ ઠાકરેએ કહ્યું હતું કે, 1 મેના રોજ ઔરંગાબાદમાં એક જાહેર સભાને સંબોધિત કરીશ. હું ફરી એકવાર મારી વાત લોકોની સામે રાખવાનો પ્રયાસ કરીશ. તેમણે કહ્યું કે, 5 જૂને અયોધ્યા જઈ રહ્યો છું તે પહેલા જ મેં મારા વોટ્સએપમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે મારે અયોધ્યા જવું છે. આંદોલન દરમિયાન ઘણા કાર સેવકો અયોધ્યા ગયા હતા. મંદિર બનશે ત્યારે તો જઈશ પરંતુ તે પહેલા એક વાર ભગવાન શ્રી રામના દર્શન કરવા જઈ રહ્યો છું. અમે દેશમાં શાંતિ ઈચ્છીએ છીએ.