Site icon Revoi.in

રાજસ્થાનઃ પાલીમાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત, 2 ઘાયલ

Social Share

જયપુર: રાજસ્થાનના પાલી જિલ્લાના કેનપુરા ગામ પાસે માર્ગ ઉપરથી પસાર થતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમવતા કાર રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી અને ખાડામાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. પોલીસે જણાવ્યું કે કારમાં સવાર લોકો મહારાષ્ટ્રના કોલ્હાપુરના હતા.

સાંડેરાવ પોલીસ સ્ટેશનના પ્રભારી લક્ષ્મણ સિંહે જણાવ્યું હતું કે, આ ઘટના ગુરુવારે રાત્રે કેનપુરા ગામ પાસે બની જ્યારે કારમાં હાજર છ લોકો તેમના સંબંધીઓને મળ્યા બાદ જોધપુરથી સિરોહી જિલ્લાના શિવગંજ જઈ રહ્યા હતા. શિવગંજ પરત ફરતી વખતે કેનપુરા ગામ પાસે તેની કાર કાબૂ બહાર ગઈ અને રસ્તા પરથી પલટી ગઈ અને નીચે ખાઈમાં ખાબકી હતી.

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે અકસ્માતમાં બાબુરાવ (ઉ.વ. 50), તેની પત્ની સારિકા (ઉ.વ. 38), પુત્રી સાક્ષી (ઉ.વ. 19) અને પુત્ર સંસ્કાર (ઉ.વ 17)ના અવસાન થયા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા બંને લોકોને સાંડેરાવ નગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કારની સ્પીડ વધુ હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.