રાજસ્થાનઃ જયપુર નજીક મોટરકાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત, 5 ઘાયલ
જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે સવારે ટ્રક અને મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં છ યુવાનોના મોત થયાં હતા જ્યારે પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર મોટરકારમાં 11 યુવાનો સવાર હતા. આ તમામ બારાંના સીકર રાજસ્થાન ટીચર્સ ઈલિજીવિલિટી ટેસ્ટની પરીક્ષા આપવા જતા હતા. રાષ્ટ્રીય જનમાર્ગ 12 ઉપર નિમોડયા કટ પાસે મોટરકારના ચાલકે કાબુ ગુમાવતા ટ્રેલરની પાછળ ઘુસી ગઈ હતી. અકસ્માતમાં કારના ચાલક સહિત છ વ્યક્તિના મોત થયા હતા. તમામ ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર મોટરકારમાં 11 લોકો સવાર હતા અકસ્માત એટલો ગમખ્વાર હતો કે છ લોકોના ઘટના સ્થળે મોત થયાં હતા. મૃતદેહ પાસેથી મળી આવેલા દસ્તાવેજના આધારે મૃતકોની ઓળખ થઈ હતી. મૃતકો બારાં જિલ્લાના ગોરધનપુરા અને નયાપુર ગામના રહેવાસી હતી. નરેન્દ્ર, અનુલ, ભગવાન, હેમરાજ અને જોરાવર નામના યુવાનો ઘાયલ થયાં હતા. જે પૈકી બે યુવાનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. મુખ્યમંત્રી અશોક ગહેલોત અને પૂર્વ મુખ્યમંત્રી વસંધરા રાજેએ મૃતકોના પરિવારજનોને સાંત્વાના પાઠી હતી. અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
REETની પરીક્ષા 26મી સપ્ટેમ્બર યોજાશે. 16.22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યાં છે. રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાર્થીઓ માટે ફ્રી બસ સેવાની જાહેરાત કરી હતી. બીજી તરફ રેલવે દ્વારા પણ 11 ખાસ વિશેષ ચલાવવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષા માટે 3993 કેન્દ્રો ઉભા કરવામાં આવ્યાં છે.