દિલ્હીઃ રાજસ્થાનમાં બહુજન સમાજપાર્ટી એટલે કે બીએસપીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા છ ધારાસભ્યોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ધારાસભ્યો ઉપર પાર્ટી બદલવાના કાયદા હેઠળ વિધાનસભાનું સભ્ય પદ જવાનો ખતરો ઉભો થયો છે. જેથી આ ધારાસભ્યો પોતાની સત્તા બચાવવા દિલ્હી દોડી ગયા છે. સુપ્રીમ કોર્ટે આ ધારાસભ્યોને ફાઈનલ જવાબ આપવા માટે નોટિસ આપી છે. જેથી તમામ ધારાસભ્યો કાનૂની સલાહ લેવા દિલ્હી ગયા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકીય આગેવાન વાજિબ અલી, સંદીપ યાદવ, લખન મીણા, જોગેન્દ્ર અવાના, દીપચંદ ખેરિયા અને રાજેન્દ્ર ગુઢાએ વર્ષ 2018માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બસપાની ટિકીટ ઉપર જીત્યાં હતા. જો કે, સપ્ટેમ્બર 2019માં આ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા હતા. જેથી બસપા અને ભાજપ એમ બંને પાર્ટીએ નારાજગી વ્યક્ત કરીને કોર્ટમાં અરજી કરી હતી.
દિલ્હી પહોંચેલા રાજેન્દ્રસિંહ ગુઢાએ જણાવ્યું હતું કે, નોટિસ મળ્યા બાદ સભ્યપદ બચાવવા માટે રાહુલ ગાંધીને મળીને કાનૂની ઉપાયો પર ચર્ચા કરીશું. હવે ઘર અને ઠેકાણું પણ નહીં બચે. સંદીય યાદવે કહ્યું હતું કે, અમે માયાવતી, રાહુલ ગાંધી અને અમિત શાહ સહિતના આગેવાનોની મુલાકાત કરીશું. જે અમારુ સભ્યપદ બચાવશે તેમની પાસે જઈશું.
હાલ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. જો કે, આ ધારાસભ્યો સામે કાર્યવાહી થાય તો પણ અશોક ગહેલોત સરકારને કોઈ અસર નહીં થાય. રાજ્યમાં વિધાનસભાની 200 બેઠકો પૈકી બહુમતી માટે 101 ધારાસભ્યોની જરૂર છે. જો કે, કોંગ્રેસને કુલ 122 ધારાસભ્યોનું સમર્થન છે. આ ધારાસભ્યો સામે કાર્યવાહી થાય તો કોંગ્રેસ પાસે 116 ધારાસભ્યનું સમર્થન યથાવત રહેશે.