રાજસ્થાનઃ નુપુર શર્માની હત્યા કરવા પાકિસ્તાનથી આવેલો કટ્ટરપંથી ઝડપાયો
નવી દિલ્હીઃ પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરનારા ભાજપના નેતા નુપુર શર્માને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં બાદ વિવાદ વધારે વકર્યો છે. એટલું જ નહીં નુપુર શર્માને સનર્થન કરનારા રાજસ્થાન કન્હૈયાલાલ અને અમરાવતીમાં એક વ્યક્તિની કટ્ટરપંથીઓએ ઘાતકી હત્યા કર્યાની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન નુપુર શર્માની હત્યા કરવા માટે પાકિસ્તાનથી આવેલા ઘુસણખોરને ભારતીય સુરક્ષા એજન્સીઓએ રાજસ્થાનમાંથી ઝડપી લીધો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં સ્થિત હિંદુ માલકોટ સરહદ પર ભૂતકાળમાં BSF દ્વારા પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરવામાં આવી હતી. તેને કાવતરા હેઠળ ભારત મોકલવામાં આવ્યો છે. બીએસએફની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપી ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની હત્યા કરવાના ઈદારે આવ્યો હતો. તેની પાસેથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. ગુપ્તચર એજન્સી ઈન્ટેલિજન્સ બ્યુરો (IB), રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) અને લશ્કરી એજન્સીની સંયુક્ત ટીમ તેની પૂછપરછ કરી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે શંકાસ્પદ શખ્સ 16 જુલાઈના રોજ રાત્રે 11 વાગ્યે શ્રીગંગાનગર જિલ્લાને અડીને આવેલી હિન્દુમલકોટ બોર્ડર ફેન્સિંગની આસપાસ ફરતો હતો. પેટ્રોલિંગ ટીમને શંકા ગઈ અને તેની પૂછપરછ કરી હતી. તેમજ તલાશી લેતા તેની પાસેથી 11 ઇંચની ધારદાર છરી, ધાર્મિક પુસ્તકો, નકશા, કપડાં અને ખાદ્યપદાર્થો મળી આવ્યા હતા.