જયપુરઃ કોરોના મહામારીને પગલે વર્ક ફોર્મ હોમ અને ઓનલાઈન એજ્યુકેશનની શરૂઆત કરવામાં આવી હતી. જેથી મોટાભાગના લોકો મોબાઈલ ફોન, લેપટોપ અને કોમ્પ્યુટર પર વ્યસ્ત રહે છે. આધનિક ટેકનોલોજીના ફાયદાની સાથે એટલા ગેરફાયદા પણ છે. તેમજ અનેક યુવાનોને હવે મોબાઈલ ફોનની આદત પડી ગઈ છે. દરમિયાન રાજસ્થાનના ચરુ જિલ્લામાં મોબાઈલની આદતને કારણે એક યુવાન માનસિક બીમાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક મહિનાથી યુવાન નોકરી-ધંધો છોડીને મોબાઈલમાં સતત વ્યસ્ત રહેતો હતો. એટલું જ નહીં છેલ્લા પાંચેક દિવસથી ખાવા-પીવાનું છોડવાની મોબાઈલમાં જ વ્યસ્ત રહેતો હતો. જેથી ચિંતામાં મુકાયેલા પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા. યુવાન છેલ્લા પાંચ દિવસથી સૂઈ ગયો નહીં હોવાનું જાણવા મળે છે.
યુવકના પરિવારમાં કાકા અરબાઝે જણાવ્યું કે 20 વર્ષીય અકરમ ગામમાં જ ઇલેક્ટ્રિક મોટર વિન્ડિંગનું કામ કરે છે. છેલ્લા એક મહિનાથી પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ પર વિતાવતો હતો. મોબાઈલના કારણે તેણે પોતાનું કામ પણ છોડી દીધું હતું. પરિવારજનો દ્વારા વારંવાર કહેવા છતાં તેણે મોબાઈલ છોડ્યો ન હતો. છેલ્લા કેટલાક દિવસોથી તે આખી રાત મોબાઈલ પર ચેટ કરતો અને ગેમ રમતો હતો.
યુવકના પરિવારજનોએ કહ્યું હતું કે, મોબાઈલની લતના કારણે તેણે ખાવા-પીવાનું પણ છોડી દીધું હતું. અકરમની માતાએ જણાવ્યું કે હવે અકરમ ખાવાનું પણ નથી ખાતો. જ્યારે હું રાત્રે ભોજન આપવા માટે રૂમમાં જાઉં છું, ત્યારે તે પલંગ પર ખોરાક વેરવિખેર કરી દે છે. આ અંગે માનસિક રોગના નિષ્ણાત ડો.જિતેન્દ્ર કુમારે જણાવ્યું કે યુવકનું સિટી સ્કેન કરવામાં આવ્યું છે, જેની સારવાર શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલો કિસ્સો નથી. ડોકટરોનું માનવું છે કે મોબાઈલ પર સમય પસાર કરવાથી બાળકોને માનસિક રોગો તરફ ધકેલવામાં આવે છે.