નવી દિલ્હીઃ ભારતીય સરહદ ક્રોસ કરીને પાકિસ્તાની શખ્સો દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવતી હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન રાજસ્થાનમાં શ્રીગંગાનગર જિલ્લામાં અનુપગઢ સેક્ટરમાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાની શખ્સને બીએસએફએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાકિસ્તાન શખ્સ પરત જવાને બદલે બોર્ડર ઉપર આવતા ભારતીય સુરક્ષા જવાનોએ ગોળીબાર કર્યો હતો. જેમાં તેનું મોત થયું હતું.
પોલીસે જણાવ્યું હતુ કે, એક પાકિસ્તાની યુવક રાત્રે શેરપુર બોર્ડર પોસ્ટના ઈન્ટરનેશનલ પિલર નંબર 372 પાસે કોર્ડનની ખૂબ નજીક આવ્યો હતો. બીએસએફ જવાનોએ તેને રોકવા માટે કહ્યું પરંતુ તે ઘેરાબંધીની નજીક જતો રહ્યો હતો. પોલીસે કહ્યું કે, જ્યારે તે ન રોકાયો તો બીએસએફના જવાનોએ તેના પર ગોળીબાર કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે, BSFએ મોડી રાત્રે આ ઘટનાની જાણકારી આપી. પાકિસ્તાની યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અનુપગઢની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. બીએસએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મુરલીધરના રિપોર્ટ પર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે મૃતક પાસેથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. પોસ્ટમોર્ટમ બાદ બીએસએફ દ્વારા ફ્લેગ મીટિંગ કરીને યુવકના મૃતદેહને પાકિસ્તાની રેન્જર્સને સોંપવાના પ્રયાસો કરવામાં આવશે.