નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ભ્રષ્ટાચારની મોટી ઘટના સામે આવી છે. જેમાં આખી ઓફિસ જ લાંચના કેસમાં પકડાઈ છે. એટલું જ નહીં પકડાયા બાદ રાજ્ય પ્રશાસનિક સેવાના અધિકારીએ તર્ક આપ્યો કે, જ્યારે કી મંદિરમાં પ્રસાદ ચડાવવા આવે તો કોઈ ના કેમ પાડે.
પ્રાપ્ત માહિતી અનુસાર જયપુર શહેરના વિકાસની જવાબદારી સંભાળતા જયપુર વિકાસ ઓથોરિટીના ડેપ્યુટી કમિશનર સહુત પુરી ઓફિસ લાંચના કેસમાં રંગેહાથ પકડાઈ છે. ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયા બાદ રાજ્યના પ્રશાસનિક સેવા અધિકારી મમતા યાદવ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓ સામે હસી રહ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, જ્યારે કોઈ મંદિરમાં પ્રસાદ ચડાવવા આવે તો કોઈ ના કેવી રીતે પાડી શકે.
એસીબીને ફરિયાદ મળી હતી કે, જવાહર સર્કલના સિદ્ધાર્થ નગરની એક વ્યક્તિ પોતાની વારસાગત જમીનનો પટ્ટો લેવા માંગતા હતા. જેના બદલામાં ડેપ્યુટી કમિશનર મમતા યાદવે સાડા છ લાખ રૂપિયા અને જુનિયર એન્જિનીયર શ્યામ 3 લાખ રૂપિયા માંગતા હતા. ફરિયાદ બાદ એસીબીએ જેડીએમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં આરએએસ અધિકારી મમતા યાદવ, જયંત શ્યામ, નકશો પાક કરનાર અધિકારી વિજય મીણા, એકાઉન્ટેન્ટ રામ તુફાન મંડોતિયા, કોમ્પ્યુટર ઓપરેટર અખિલેશ મૌર્ય સહિત તમામ લાંચ લેવા રંગેહાથ ઝડપાયાં હતા.
આવુ પહેલીવાર થયું છે કે, પુરા ઝોનના અધિકારીઓ લાંચ લેતા ઝડપાયાં હતા. જયપુર ઝોન 4ના અધિકારી પટ્ટો આપવાનું કામ કરે છે. એસીબીએ જેડીએના પાર્કિંગ એરિયાથી લાંચ લેવાની કાર્યવાહી શરૂ કરી હતી. લાંચ લેતા પકડવાનું ઓપરેશન એકદમ ગુપ્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું. સમગ્ર ઓપરેશન ડેપ્યુટી કમિશનર કચેરીના અધિકારી સુધી પહોંચ્યું હતું.