Site icon Revoi.in

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ પહેલીવાર 18.5 લાખ જેટલા મતદારો ઘરે બેઠા-બેઠા મતદાન કરી શકશે

Social Share

જયપુરઃ રાજ્યમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં ઘરઆંગણે મતદાનની સુવિધા ઉપલબ્ધ થશે. 18.5 લાખ મતદારોને ઘરે બેઠા-બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. ભારતના ચૂંટણી પંચે 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા મતદારો માટે આ નવી સુવિધા શરૂ કરી છે.

મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, પંચે સર્વસમાવેશક ચૂંટણીની દિશામાં નવતર પહેલ કરી છે. આ અંતર્ગત બૂથ લેવલ ઓફિસરો ઘરે-ઘરે જઈને યોગ્ય મતદારોને ઘરે-ઘરે મતદાન સંબંધિત માહિતી પૂરી પાડી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ સુવિધા એક વિકલ્પ તરીકે છે. જો લાયક મતદારો આ સુવિધા પસંદ કરવા માંગતા હોય, તો તેમણે ચૂંટણીની સૂચના જારી થયાના 5 દિવસની અંદર BLO દ્વારા આપવામાં આવેલ 12-D ફોર્મ ભરવાનું રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે મતદારે ઘરે બેઠા-બેઠા મતદાનોનો વિકલ્પ કર્યો છે તેમની યાદી તમામ માન્ય રાજકીય પક્ષોને રિટર્નિંગ ઓફિસર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પોલિંગ ટીમ આ મતદારોને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટે આપશે. રાજસ્થાનમાં 80 વર્ષથી વધુ ઉંમરના 12.14 લાખ મતદારો અને 5.95 લાખ મતદાતાઓ ખાસ દિવ્યાંગ લોકો તરીકે નોંધાયેલા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમજ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.