રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ ઉદેયપુરમાં હવાલા રેકેટનો પર્દાફાશ, 72 લાખની રોકડ જપ્ત કરાઈ
જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર એક મહિનો જ બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આ ઉપરાંત ચૂંટણી પંચે પણ તેની તૈયારીઓ વધારે તેજ બનાવી છે. બીજી તરફ પોલીસ પણ ગેરકાયદે ધંધાને રોકવા કાર્યવાહીને વધારે તેજ બનાવી છે. દરમિયાન ઉદયપુર પોલીસે કરોડોના રૂપિયાના હવાલા કારોબારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તેમજ ઉદયપુર પોલીસે 71.66 લાખ રૂપિયા જપ્ત કર્યા છે.
જિલ્લા પોલીસ અધિક્ષક ભુવન ભૂષણ યાદવે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણી અને આચારસંહિતાને ધ્યાનમાં રાખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા લઈ જવાના ગેરકાયદેસર ધંધા સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત પોલીસની વિશેષ ટીમે હલાવા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાતના હવાલા વેપારી ઈશ્વરભાઈની મીના પાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂછપરછ કરવામાં આવી હતી અને રૂપિયા 71,66,950 કબજે કરવામાં આવ્યા હતા. આગળની કાર્યવાહી માટે આવકવેરા વિભાગને માહિતી આપવામાં આવી છે.
ઘંટાઘર પોલીસ સ્ટેશન અને જિલ્લા વિશેષ ટીમે એક વેપારીની ઓફિસના ડ્રોઅરમાંથી રૂ. 1.44 કરોડ જપ્ત કર્યા હતા. આ દરમિયાન એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી કે આ પૈસા ચૂંટણીને પ્રભાવિત કરવા માટે હતા. પોલીસ અને આવકવેરા વિભાગે રિયલ એસ્ટેટ બિઝનેસમેનના ઘરે દરોડા પાડ્યા અને અહીંથી પણ 1.44 કરોડ રૂપિયા જપ્ત કર્યા. સૂરજપોલ પોલીસે તેના જ પોલીસ સ્ટેશન વિસ્તારના સર્વરિતુ વિલાસ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી 19.57 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ખેરવાડા પોલીસે નાકાબંધી દરમિયાન એક કારમાંથી રૂ. 2 કરોડથી વધુની રોકડ મળી આવી હતી.