દિલ્હીઃ રાજસ્થાનના જાલોરમાં 77 વર્ષના વૃદ્ધએ ધો-12ની પરીક્ષાનું ફોર્મ ભર્યું છે. વૃદ્ધ 56 વખત ધો-10ની પરીક્ષામાં નાપાસ થયા હતા. જો કે, હિંમત હાર્યા વગર તેણે 57મી વખત ફરીથી પરીક્ષા આપી અને અંતે તે પાસ થયા હતા. હવે તેઓ ધા-12 ઉતીર્ણ થવા માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જાલોર જિલ્લાના સરદારગઢમાં રહેતા હુકમદાસ વૈષ્ણવ યુવાનો માટે ઉદાહરણરૂપ બન્યા છે. હુકમદાસે 1962થી દસમું પાસ કરવાના પ્રયાસો કર્યા હતા, જો કે, અંતે તેઓ 2019માં સફળ થયા હતા. હુકમદાસ ધોરણ-8માં પાસ થયા બાદ સરકારની નોકરી મળી હતી. જો કે, તેમનો અભ્યાસ પ્રત્યેનો શોખ ઓછો થયો ન હતો. સરકારી નોકરી મળ્યા પછી પણ તેણે દસમું પાસ કરવા માટે ભણવાનું શરૂ કર્યું હતું., પરંતુ 1962 થી 2018 સુધીમાં હુકમદાસ વૈષ્ણવ દસમા ધોરણમાં 56 વખત નાપાસ થયા હતા. આખરે 2019 માં હુકમ દાસ વૈષ્ણવ 57મી વખત દસમાની પરીક્ષા આપીને સફળ થયા.
હુકમ દાસે જણાવ્યું કે 10મા ધોરણમાં પહેલીવાર નાપાસ થયા બાદ 18 વર્ષની ઉંમરે સરકારી નોકરી મળી હતી. ભૂગર્ભ જળ વિભાગમાં વર્ગ-4માં નોકરી મેળવ્યા પછી પણ તેમણે શિક્ષણ પ્રત્યેનો પ્રેમ ગુમાવ્યો ન હતો. દસમા ધોરણનું ફોર્મ ભર્યું ત્યારે મિત્રોએ કહ્યું કે સરકારી નોકરી મળી ગઈ છે, હવે ભણવાનું છોડી દે. જો કે, 10મું પાસ કરવાનું નક્કી કર્યું હતું. આ ઈચ્છા અંતે 57 વર્ષ બાદ પૂર્ણ થઈ હતી. હુકમદાસ વૈષ્ણવ ભલે 77 વર્ષના થઈ ગયા હોય, પરંતુ અભ્યાસ પ્રત્યેનો તેમનો જુસ્સો આજે પણ યથાવત છે. હુકુમ દાસ વૈષ્ણવે ધોરણ 12 પાસની પરીક્ષાનું ફોર્મ ભર્યું છે.