રાજસ્થાન સરકારે ગુજરાત પાસે મહીના પાણી માટેના બાકી લેણાના રૂપિયા 31 કરોડની કરી ઉધરાણી
અમદાવાદઃ ભાજપ શાસિત ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મહી નદીના પાણીના મુદ્દે વિખવાદ થયો છે. રાજસ્થાનના મહી સિંચાઈ વિભાગે ગુજરાતના કડાણાડેમ સિંચાઈ વિભાગ પાસે મહીના પાણીના રૂપિયા 31 કરોડના બાકી લેણાંની ઉઘરાણી કરી છે. કહેવાય છે કે, રાજસ્થાન મહી ડેમ બાસવાડાએ આગામી સમયમાં રાજસ્થાનનું પાણી રાજસ્થાનમાં રહે તેવી તૈયારીઓ આરંભી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મહીસાગર નદી રાજસ્થાનથી ગુજરાત થઈને સમુદ્રને મળે છે. આ નદી પર રાજસ્થાનના બાસવાડા અને ગુજરાતનો કડાણા ડેમ બાંધવામાં આવ્યો છે. જેમા દર વર્ષે 40 TMC પાણી લઈ મરામત અને અન્ય ખર્ચ માટે 55% ભાગના કડાણા સિંચાઈ વિભાગ (ગુજરાત) દ્વારા રાજસ્થાન સરકારને આપવાના થતા હોય છે. રાજસ્થાન સરકારનું કહેવું છે કે, ગુજરાત લાંબા સમયથી અધુરા પૈસા ચૂકવી રહ્યું છે. 1993 થી આજ સુધી 30 વર્ષમાં 30.51 કરોડ બાકી નીકળે છે. જયારે ગુજરાતનું કડાણાડેમ દર વર્ષે કરાર આધારિત 40 TMC થી પણ વધારે પાણી લઈ રહ્યું છે. ગુજરાતે 2003/04 માં પહેલીવાર એક સાથે 11.46 કરોડ ચૂકવ્યા હતા. 1993 થી 2024 સુધીમાં 25.34 કરોડ આપ્યા છે. હજી 30.51 કરોડ માટે અવારનવાર ઉઘરાણી કરી હોવા છતાં સમયસર રૂપિયા ચુકવાયા નથી. જેથી આગામી સમયમાં રાજસ્થાનનું પાણી રાજસ્થાનમાં રહે તેવી યોજના કરાશે.
રાજસ્થાનના આક્ષેપને ગુજરાતના કડાણા ડેમ સિંચાઈ વિભાગે નકારી કાઢ્યા છે. અને જણાવ્યું છે કે, રાજસ્થાનના બાંસવાડાના મહી જળાશયમાંથી છેલ્લા 12 વર્ષમાં કોઈ કરાર આધારિત 40 TMC પાણી મળ્યુ નથી. કડાણા ડેમમાં જે પાણી આવી રહ્યું છે, તે રાજસ્થાન માહી બાંધ(રાજસ્થાન) પોતાના રાજ્ય માટે વીજ ઉત્પાદન અને સિંચાઈ માટે છોડે છે, તે પાણી હાલ કડાણાડેમમાં આવી રહ્યું છે. તેમ છતાં પણ જે રીતે સરકારમાંથી નાણા ફાળવવામાં આવે છે, તે પ્રમાણે ચૂકવણી કરવામાં આવે છે. કડાણાડેમમાંથી રાજ્યના 9 જિલ્લાને 1,278 MCM પાણી સિંચાઈ અને પીવા માટે પુરુ પાડવામાં આવે છે. તેની સામે સરેરાશ 1690 MCM પાણી વર્ષ દરમિયાન જળાશયમાં ઉપલબ્ધ હોય છે.
સિંચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજસ્થાનના ચીફ એક્ઝિક્યુટિવ ઈજનેર કડાણા ડેમની મુલાકાતે આવ્યા બાદ આ વિખવાદ ઊભો થયો છે. રાજસ્થાનના માહી જળાશયના મુખ્ય ઈજનેર વિનોદ ચૌધરી બે દિવસ પહેલા કડાણા ડેમની મુલાકાતે આવ્યાં હતાં. ત્યારબાદ તેમણે બાસાવાડા ખાતે જણાવ્યું કે, રાજસ્થાનના લોકોને વધારે પાણી મળે માટે નદી ઉપર આડશ બનાવાશે. અનાસનું પાણી કોઈ કરારમાં નથી. જેથી અનાસનું જે પાણી ગુજરાતના ખંભાતની ખાડીમાં વ્યર્થ જાય છે તેને રોકી શકાશે. (File photo)