ઉદયપુર: દેશમાં એક તરફ જ્યાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની માગણી જોરશોરથી ઉઠી રહી છે, ત્યાં બીજી તરફ આ મામલા પર રાજસ્થાન સરકારમાં તાજેતરમાં મંત્રી બનાવવામાં આવેલા જનજાતિ વિભાગના મંત્રી બાબુલાલ ખરાડીએ એક વાંધાજનક નિવેદન આપ્યું છે. બાબુલાલ ખરાડીએ કહ્યુ છે કે તમે ખૂબ બાળકો પેદા કરો. તેમને છત આપવાનું કામ વડાપ્રધાન કરશે. ખરાડીનું આ નિવેદન ઉદયપુરના નાઈ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મુખ્યમંત્રીની સામે મંચ પરથી આપ્યું હતું.
ખરાડી મંગળવારે ઉદયપુર ગ્રામીણ વિધાનસભા મતવિસ્તારના નાઈમાં આયોજીત કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની યોજનાઓ ગણાવી રહ્યા હતા. તે દરમિયાન આવાસ યોજના સાથે જોડાયેલી બાબતો પર બોલતા તેમણે લોકોને વધુ બાળકો પેદા કરવાની સલાહ પણ આપી દીધી. ત્યાં રહેલા લોકોએ આ વાત પર તાળીઓ પણ પાડી હતી. મંત્રી બાબુલાલ ખરાડીનું આ નિવેદન સોશયલ મીડિયા પર હવે ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
ભજનલાલ સરકારના મંત્રી બાબુલાલ ખરાડી ઉદયપુર જિલ્લાના ઝાડોલ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે. તે પહેલા પણ બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. ખરાડી આદિવાસી સમાજમાંથી આવે છે. તેમણે બે લગ્નો કર્યા છે. ખરાડીના આઠ બાળકો છે. તેમાં ચાર છોકરા અને ચાર છોકરીઓ છે. તે ઉદયપુરના કોટડામાં રહે છે. ખરાડી કાચા મકાનમાં રહે છે. તેમની સાદગીની ચર્ચા પણ પહેલા ઘણીવાર થઈ ચુકી છે.