Site icon Revoi.in

રાજસ્થાનઃ સરકારી કચેરીના નિવૃત ડ્રાઈવરની અનોખી વિદાય, ઉચ્ચ અધિકારી કાર હંકારીને ઘરે મુકવા ગયા

Social Share

જયપુરઃ રાજસ્થાનના સરહદી બાડમેર જિલ્લામાં એક કર્મચારીની નિવૃત્તિ વખતે આપવામાં આવેલી વિદાય ચર્ચાનો વિષય બની છે. અનોખી વિદાયનો આ કિસ્સો એટલા માટે ચર્ચામાં છે કારણ કે જે કર્મચારીએ આખી જીંદગી અધિકારીઓને ગાડી ચલાવી હતી, તેને નિવૃત્તિના દિવસે રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ લેવલના એક અધિકારીએ પોતે કાર ચલાવીને ઘરે મુકવા ગયા હતા. આ કર્મચારી બાડમેરના અધિક જિલ્લા કલેક્ટરનો ડ્રાઈવર હતો.

કલેક્ટર કચેરીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા મદનલાલે જીવનભર અધિકારીઓના વાહન ચલાવ્યાં છે. પરંતુ જ્યારે તેઓ નિવૃત્ત થયા ત્યારે એડીએમએ પોતે કાર ચલાવી અને તેમને ઘર સુધી મુકવા ગયા હતા. ડ્રાઈવર મદનલાલને ઘરે ઉતાર્યા બાદ એડીએમ ઓ.પી.બિશ્નોઈએ તેમના ઘરે આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.

આ અવસરે વિશ્નોઈએ કહ્યું કે તેણે ઘણી જગ્યાએ નોકરી કરી છે,પરંતુ કામ પ્રત્યે આટલી સમર્પણની ભાવના જોઈ નથી. મદનલાલ સવારે 8 વાગે ડ્યૂટી પર આવતા અને આખો દિવસ તેમની સાથે સંપૂર્ણ નિષ્ઠા સાથે રહેતા. તે તેમની દરેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખતા હતા.તેમણે વધુમાં કહ્યું કે, આવા સેવાભાવી કર્મચારી મારી સર્વિસમાં ક્યારેય જોયા નથી. મદનલાલની નિવૃત્તિની જાણ થતા તેમને પુરતુ સન્માન આપવાનો નિર્ણય કર્યો હતો. એટલું તેમના માટે હું ખુદ વાહન હંકારીને તેમના ઘરે મુકવા ગયો હતો.

એડીએમને આટલું માન અપાયા પછી મદનલાલની ખુશીનો પાર ન રહ્યો. મદનલાલે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું નિવૃત્ત થઈશ ત્યારે મને આટલું સન્માન મળશે. હું ખૂબ જ ખુશ છું કે એડીએમ ઓપી વિશ્નોઈએ મને કારની આગળની સીટ પર બેસાડ્યો અને ગાડી ચલાવીને ઘરે સુધી મુકવા આવ્યાં હતા. એડીએમ સાહેબ પણ ખૂબ સારા માણસ છે,તેમણે હંમેશા મારી સાથે તેમના પરિવારના સભ્ય જેવો વ્યવહાર કર્યો છે,પરંતુ મને આટલું સન્માન મળશે એવું મેં વિચાર્યું ન હતું.