પટણાઃ બિહારના પૂર્ણિયામાં રાજસ્થાની ઊંટની તસ્કરીની ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ થયો છે. પોલીસે લગભગ આઠ જેટલા રાજસ્થાની ઊંટોને મુક્ત કરાવીને વેટરનરી હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. બિહાર અને બંગાળમાં રાજસ્થાની ઊંટની ભારે ડિમાન્ડ છે અને લાખોની કિંમતમાં તેનું વેચાણ થતું હોવાથી તેની તસ્કરી કરવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પૂર્ણિયા જિલ્લા ઉપાધ્યક્ષ મનોજ કુમાર મોનુ અને સામાજિક કાર્યકર સુજીત ચૌધરી મુફસીલ પોલીસ સ્ટેશન વિસ્તારના મહેન્દ્રપુર છતિયા ગામમાં પહોંચ્યા અને તસ્કરી કરાયેલા ઊંટની શોધખોળ કરી હતી. આ પછી મોફસિલ પોલીસ સ્ટેશનના વડાને આ વિશે જાણ કરવામાં આવી હતી. માહિતી મળ્યા પછી, મોફસિલ પોલીસ સ્ટેશનના વડા બ્રજેશ કુમાર અને એસઆઈ રમેશ પાસવાન તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ આઠ ઊંટોને પકડીને પશુ દવાખાના મહેન્દ્રપુરમાં ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ મામલે સામાજિક કાર્યકર સુધીર ચૌધરીએ જણાવ્યું હતું કે ઘણા દિવસોથી ઊંટની તસ્કરીની માહિતી મળી રહી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનથી 12 ઊંટને દાણચોરી માટે પૂર્ણિયાના મહેન્દ્રપુર છતિયા ગામમાં લાવવામાં આવ્યા હતા. તેમાંથી આઠ ઊંટ પોલીસની મદદથી કબજે કરવામાં આવ્યા છે, જ્યારે ચાર ઊંટ પશ્ચિમ બંગાળમાં પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. સામાજિક કાર્યકર સુધીર ચૌધરીએ જણાવ્યું કે ઊંટ રાજસ્થાનનું રાજ્ય પ્રાણી છે. ત્યાંથી ઊંટની તસ્કરી કરવામાં આવી હતી. બિહાર અને બંગાળના ઘણા જિલ્લાઓમાં રાજસ્થાની ઊંટની ભારે ડિમાન્ડ છે અને લાખોની કિંમતમાં તેનું વેચાણ થાય છે.
આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનના વડા બ્રજેશ કુમારે જણાવ્યું હતું કે, તસ્કરી કરાયેલા આઠ ઊંટ ઝડપાયા છે. તમામ ઊંટને ડોક્ટરની દેખરેખ હેઠળ વેટરનરી હોસ્પિટલ મહેન્દ્રપુરમાં રાખવામાં આવ્યા છે. તસ્કર સામે કોઈ લેખિત અરજી મળી નથી. અરજી મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે હજુ સુધી તસ્કરની ઓળખ થઈ શકી નથી.