દિલ્હી: IAS અધિકારી હીરાલાલ સામરિયાને ભારતના માહિતી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હીરાલાલ 1985 બેચના IAS અધિકારી છે અને મૂળ રાજસ્થાનના ભરતપુરના છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે માહિતી કમિશનર હીરાલાલ સામરિયાને કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના વડા તરીકે શપથ લેવડાવ્યા હતા. 3 ઓક્ટોબરે વાય.કે.સિન્હાનો કાર્યકાળ પૂરો થયા બાદ આ પદ ખાલી થઈ ગયું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહ દરમિયાન સામરિયાને પદના શપથ લેવડાવ્યા હતા. મુખ્ય માહિતી કમિશનર તરીકે સામરિયાની નિમણૂક થયા બાદ માહિતી કમિશનરની આઠ જગ્યાઓ ખાલી છે. આયોગમાં હાલમાં બે માહિતી કમિશનર છે.
RTI બાબતો માટે સર્વોચ્ચ અપીલીય પ્રાધિકરણ કેન્દ્રીય સૂચના આયોગમાં એક મુખ્ય માહિતી કમિશનર અને વધુમાં વધુ 10 માહિતી કમિશનર હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટે 30 ઓક્ટોબરે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કેન્દ્રીય માહિતી આયોગ (CIC) અને રાજ્ય માહિતી આયોગ (SIC) માં ખાલી જગ્યાઓ ભરવા માટે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો, અને કહ્યું હતું કે જો તેમાં નિષ્ફળતા મળે તો માહિતી અધિકાર કાયદો બિનઅસરકારક થઈ જશે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી)ને મંજૂર પોસ્ટ્સ, રાજ્ય માહિતી આયોગમાં ખાલી જગ્યાઓ અને પેન્ડિંગ કેસની કુલ સંખ્યા સહિત અનેક પાસાઓ પર તમામ રાજ્યોમાંથી માહિતી એકત્રિત કરવા જણાવ્યું હતું.