રાજકોટમાં સિટીબસમાં અચાનક આગ લાગી, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી
- ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર
- આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરાશે
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં બસમાં આગ લાગવાની ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયાની ઘટના હજુ સુધી ભુલાઈ નથી. દરમિયાન રાજકોટમાં સિટીબસમાં પણ આગની ઘટના બની હતી. રાજકોટમાં મુસાફરો ભરેલી બસમાં આગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં મનપા સંચાલિક સિટીબસમાં અચાનક આગ લાગી હતી. જેથી તેમાં સવાર મુસાફરો અને ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. તમામ મુસાફરો અને ચાલક-કંડકટર સહીસલામત બસમાંથી નીચે ઉતરી ગયા હતા. આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો માલો ચલાવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. જો કે, બસમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ફાયરબ્રિગેડ અને પોલીસ દ્વારા બસમાં આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે. આગની ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે.