કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનની લઈને રાજકોટનું તંત્ર એલર્ટ
- કોરોનાને લઈને રાજકોટનું તંત્ર એલર્ટ
- લોકોએ ચિંતા કરવાની જરૂર નથી
- સતર્ક રહેવાની લોકોને અપીલ
ધોરાજી: રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં કોરોના વાયરસની ત્રીજી લહેર સામે ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર સજજ બન્યું છે. આ માટે સિવિલ હોસ્પિટલમાં 100 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ બેડ ઓક્સિજનથી સજ્જ કરવામાં આવ્યા છે. તેમજ કોરોના ટેસ્ટની કામગીરીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સિવિલમાં નવો ઓક્સિજન પ્લાન્ટ પણ બેસાડવામાં આવ્યો છે. સિવિલના તૈયાર કરેલા બેડ પર પાંચ વેન્ટિલેટર ફાળવી દેવાયા છે. આ સિવાય 50 જેટલા જમ્બો ઓક્સિજન સિલિન્ડ અને 25 નાના ઓક્સિજન સિલિન્ડર તૈયાર રાખવામાં આવ્યા છે. તેમજ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટની કામગીરી વધારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાતા લોકોની ચિંતામાં વધારો થયો છે અને સાથે લોકોમાં ડર પણ પ્રસર્યો છે. આ સમયમાં લોકોએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, પણ લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. હાલ અત્યાર સુધીમાં કોરોનાવાયરસના નવા વેરિયન્ટના કારણે કોઈની મોત થઈ હોય તેવું પણ જાણવા મળ્યું નથી