રાજકોટ : પેટ્રોલ,ડીઝલ,રાંધણ ગેસ બાદ હવે શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો
- મોંઘવારીનો માર,સામાન્ય પ્રજા બેહાલ
- શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા
- એક કિલો ટમેટાનો ભાવ રૂા.70થી 80
રાજકોટ : દેશમાં પેટ્રોલ ,ડીઝલ ,રાંધણગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.આ વાતથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.આવામાં સામાન્ય લોકોને વધુ એક ફટકાર પડી છે.વાત એવી છે કે, હવે શાકભાજી નો ભાવ પણ આસમાન આંબી રહ્યો છે.
રાજકોટ યાર્ડમાં એક કિલો ટમેટાનો ભાવ રૂ.70 થી રૂ.80 બોલાયો હતો. જ્યારે છૂટક બજારમાં આ ભાવ રૂ.100 એ પહોંચ્યો છે. ફક્ત ટમેટા જ નહીં પણ સાથે જ તમામ શાકભાજીઓ રૂ.120 થી 160 કિલોના ભાવે વેચાઇ રહ્યા છે.શાકભાજીમાં ભાવ વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.
સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હોય છે પરંતુ ચોમાસા બાદ હજુ શાકભાજીનું વાવેતર થઈ રહ્યું હોવાથી શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાએ પણ બળતામાં ઘી હોમ્યું છે.
શિયાળો આવતા લીલોતરી શાક વધુ ખવાતું હોય છે પણ તેમ છતાં કોથમીર, ગવાર જેવા શાકના ભાવમાં પણ વધારો કર્યો છે. હાલ શાકભાજીના ભાવ એટલા વધ્યા છે કે પહેલા લોકો કિલો શાકભાજીની પણ ખરીદી કરતા પણ હાલ અઢીસો ગ્રામ શાકભાજી લેવા મજબુર બન્યા છે સાથે જ શાકભાજીના ભાવ વધતા લોકો કઠોળ ખાવા તરફ પણ વળ્યા છે.