રાજકોટ :આજી ડેમ બાદ ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી
- નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી
- સૌની યોજના અંતર્ગત ન્યારી ડેમમાં પહોંચ્યા નર્મદાના નીર
- શહેરને દૈનિક 20 મિનિટ પીવાનું પાણી મળશે:પ્રદીપ ડવ
રાજકોટ:ઉનાળાની શરૂઆત થતા જ પાણીની સમસ્યા સર્જાતી હોય છે.પરંતુ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.રાજકોટમાં સૌની યોજના અંતર્ગત ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે.ન્યારી ડેમમાં દરવાજા રીપેરીંગની કામગીરી પૂર્ણ થતા આજથી નર્મદાની ઠાલવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
આ મામલે રાજકોટના મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે,હવે રાજકોટ શહેરને દૈનિક 20 મિનિટ પીવાનું પાણી મળી રહેશે.ઉલ્લેખનીય છે કે,ચોમાસાની સીઝન સુધી પાણીની તંગી ન સર્જાય તે માટે મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આજી ડેમમાં 700 MCFT અને ન્યારી ડેમમાં 350 MCFT નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી જેની સામે સરકાર દ્વારા ન્યારી ડેમમાં 200 MCFT નર્મદાનું પાણી ઠાલવવામાં મંજૂરી આપી છે.
આજી ડેમ બાદ ન્યારી ડેમમાં પણ નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે અત્યારસુધી 200 MCFT પૈકી 3.5 MCFT ઠલવાય ચૂક્યું છે.આમ, કુલ 850 MCFT પાણી આગામી ઓગષ્ટ સુધી ચાલશે. ન્યારી-1માં રોજ આશરે 10થી 15 MCFT પાણી ઠલવાશે.