Site icon Revoi.in

રાજકોટ એરપોર્ટ પર વર્ષ દરમિયાન 7.61 લાખ પ્રવાસીઓને ધસારો રહ્યો, ઉનાળામાં ટ્રાફિક વધશે

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક ક્ષેત્રે સારોએવો વિકાસ થયો હોવાને લીધે સાથે એર ટ્રાફિકમાં પણ વધારો થયો છે. રાજકોટ એરપોર્ટ પર છેલ્લા એક વર્ષમાં 7.61 લાખ પ્રવાસીઓએ અવર જવર કરી છે.  જેમાં અન્ય રાજ્યમાંથી આવતા 3.82 લાખ પ્રવાસીઓ તેમજ રાજકોટથી 3.78 લાખ પ્રવાસીઓએ ઉડાન ભર્યું હતું. આમ  દર મહીને સરેરાશ  60,000  પ્રવાસીઓની આવન-જાવન રહેતી હોય છે. પરંતુ વેકેશનના ગાળામાં એરપોર્ટ પર આવતા અને જતા મુસાફરોની સંખ્યા વધીને 70,000 ને પાર પહોચી જાય છે. જેની સાથે સાથે દિલ્હી-મુંબઈ જવા માટેની ફ્રિકવન્સી વધતા હવાઈ મુસાફરોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ નજીક હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થઈ ગયું છે. અને હાલ ટ્રાયલરન ચાલી રહ્યો છે. જ્યારે રાજકોટના ડોમેસ્ટીક એરપોર્ટ પર નવ-વેની સુવિધામાં વધારો કરાયા બાદ દેશના મોટાભાગના શહેરો સાથે નવી ફ્લાઈટ્સ શરૂ કરતા તેના લીધે ટ્રાફિકમાં પણ સારોએવો વધારો થયો છે. રાજકોટ એરપોર્ટ પર દૈનિક 10 ફ્લાઈટ ઉડાન ભરે છે. જેમાં મહિને 30 થી 35 હજાર લોકો હવાઈ સફર કરે છે. ફ્લાઈટના ભાડામાં કોઈ નોંધનીય ઘટાડો નથી થયો પરંતુ ફ્રિકવન્સી વધતા વેપારીઓ સહિતના મુસાફરો હવાઈ ઉડાનનો લાભ લઇ રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  રાજકોટ એરપોર્ટ પરથી આગામી ઉનાળાની સિઝનમાં ઉડાન ભરનારી ફ્લાઈટનું શેડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં દૈનિક મુંબઈની ત્રણ, દિલ્હીની બે તો બેંગ્લોર, હૈદરાબાદની સાથે ઇન્દોર અને ઉદયપુરની નવી એક-એક ફ્લાઈટની ફ્રિકવન્સીનો લાભ મુસાફરોને મળશે. જયારે ગોવાની ફ્લાઈટ મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ ત્રણ દિવસ ઉડાન ભરશે.

આ ઉપરાંત છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે અને રાજકોટથી ગોવાની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઇટ 1 મેં ના રોજ શરૂ થવાની હતી પરંતુ ઈન્ડિગો દ્વારા આ ફ્લાઇટ  શરૂ કરી દેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા ગોવા ફરવા જવા માંગતા સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર કહી શકાય છે.