Site icon Revoi.in

રાજકોટઃ GMSCLના વેરહાઉસમાંથી સરકારી દવાનો જથ્થો બારોબાર વેચી દેવાતો હોવાનો આરોપ, તપાસનો ધમધમાટ તેજ બન્યો

Social Share

અમદાવાદઃ રાજ્યની જનતાને સરળતાથી દવા ઉપલબ્ધ થઈ રહે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન જીએમએસસીએલના સૌરાષ્ટ્ર ઝોનના વેરહાઉસમાંથી સરકારી દવાનો જથ્થો બારોબાર વેચી મારવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની જાણ થતા ખળભળાટ મચી ગયો છે. તેમજ તપાસ અર્થે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ રાજકોટ દોડી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં ગુજરાત મોડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિમીટેડના વેરહાઉસમાં બજારમાંથી ખરીદાયેલી દવાનો જથ્થો સરકારી ચોપડે ચડાવીને ત્યારબાદ સ્ટીકર દૂર કરીને બારોબાર વેચાણ થતું હોવાનું જાણવા મળે છે. રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને હોસ્પિટલ દ્વારા જ દવા પુરી પાડવામાં આવે છે. હોસ્પિટલોને જીએમએસસીએલ દ્વારા દવાનો પુરતો જથ્થો પુરો પાડવામાં આવે છે. આ વેરહાઉસમાંથી રાજકોટ અને મોરબીની સરકારી હોસ્પિટલોને દવાનો જથ્થો પુરો પાડવામાં આવે છે. રાજકોટ તપાસ અર્થે પહોંચેલી ગાંધીનગરની ટીમે વેરહાઉસના મેનેજર સહિતના કર્મચારીઓની પૂછપરછ કરી હતી. તેમજ ગોડાઉના અધિકારીઓની તમામ સિસ્ટમને બ્લોક કરવાની સાથે વેરહાઉસની લીગલ સિસ્ટમને પણ ફ્રિઝ કરવામાં આવી છે. વેરહાઉસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન મેનેજરની બેગમાંથી દવા અંગેની કેટલીક વાંધાજનક રસીદો મળ્યાનું પણ જાણવા મળે છે. સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઈને વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને કથિત કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.